આગામી તહેવારો દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા તેમજ જાહેર જનતાની સલામતી જાળવવાના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સના ચુસ્ત અમલીકરણ અર્થે ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા સમગ્ર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ફોડવા અંગે નિયંત્રણો લાદતું વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરનાં પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
માત્ર ગ્રીન ફટાકડાના વેચાણને મંજૂરી જાહેરનામા અનુસાર, ગાંધીનગર જિલ્લાના મહેસૂલી વિસ્તારમાં માત્ર PESO માન્યતા પ્રાપ્ત અને ઓછું ઉત્સર્જન કરતાં ગ્રીન ફટાકડાનું જ વેચાણ અને ઉપયોગ કરી શકાશે. અતિશય અવાજ કરતાં અને વધુ માત્રામાં વાયુ પ્રદૂષણ તેમજ ઘન કચરો ફેલાવતી ફટાકડાની લડીઓના ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફટાકડા બનાવવા માટે ઝેરી બેરિયમ રસાયણના ઉપયોગ પર પણ આકરી રોક લગાવવામાં આવી છે.
ફટાકડાના ઓનલાઇન વેચાણ અને આયાતી માલ પર સંપૂર્ણ મનાઈ વેપારના નિયમો વધુ કડક બનાવતાં તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર માન્ય લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ભૌતિક દુકાનો મારફતે ફટાકડા વેચી શકશે. કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ કે વેબસાઇટ પરથી તમામ પ્રકારના ફટાકડાના ઓનલાઇન વેચાણ કે હોમ ડિલિવરી પર સખત મનાઈ ફરમાવાઈ છે.
આ સાથે બજારમાં બિનઅધિકૃત રીતે પ્રવેશતા વિદેશી ફટાકડાની આયાત, સંગ્રહ અને વેચાણ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વેચાણ માટે ફક્ત નિયત ડેસિબલ મર્યાદાવાળા અને બોક્સ પર યોગ્ય માર્કિંગ ધરાવતા ફટાકડા જ માન્ય ગણાશે.

