National

મુંબઈ પોલીસે ફટાકડાના નિયમો કડક બનાવ્યા, ૨ ડિસેમ્બર સુધી લાઇસન્સ વિનાના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસે સમગ્ર શહેરમાં ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર નિયંત્રણો કડક બનાવ્યા છે. પોલીસે એક આદેશ જારી કર્યો છે, જે મુજબ પોલીસના માન્ય લાયસન્સ વિના જાહેર સ્થળોએ ફટાકડા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી તહેવારોની મોસમ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આ પ્રતિબંધો ૩ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ આદેશ મુંબઈ પોલીસ કમિશનરેટ હેઠળના બૃહન્મુંબઈ વિસ્તારને લાગુ પડે છે. આ નિર્દેશ અનુસાર, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પોલીસનું જરૂરી લાયસન્સ મેળવ્યા વિના જાહેર સ્થળોએ વ્યાપારી હેતુ માટે ફટાકડાનું વેચાણ, સંગ્રહ, પ્રદર્શન કે પરિવહન કરી શકશે નહીં.

આ આદેશ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) અકબર પઠાણ દ્વારા જારી કરવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જાહેર જનતાને કોઈ અવરોધ કે જાેખમ ન સર્જાય તે હેતુથી ‘મહારાષ્ટ્ર પોલીસ એક્ટ‘ હેઠળ આ નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે, “બૃહન્મુંબઈની હદમાં આવતા કોઈપણ જાહેર સ્થળે, અધિકૃત પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા લાયસન્સ વિના, કોઈ પણ વ્યક્તિ ફટાકડાનું વેચાણ કરી શકશે નહીં, પોતાની પાસે રાખી શકશે નહીં, વેચાણ માટે રજૂ કરી શકશે નહીં, પ્રદર્શિત કરી શકશે નહીં કે સાથે લઈ જઈ શકશે નહીં.”

મુંબઈ પોલીસના આદેશ હેઠળ કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે?

આદેશ અનુસાર, પોલીસના માન્ય લાયસન્સ વિના જાહેર સ્થળોએ નીચેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે:

પોલીસની મંજૂરી વિના ફટાકડાનું વેચાણ કરવું.

લાયસન્સ વિના જાહેર સ્થળોએ ફટાકડાનો સંગ્રહ કરવો અથવા પોતાની પાસે રાખવા.

જરૂરી પરવાનગી વિના ફટાકડાનું પ્રદર્શન કરવું.

વેચાણના હેતુથી માન્ય લાયસન્સ વિના ફટાકડાનું પરિવહન કરવું.

અધિકારીએ જણાવ્યું કે, જાે કોઈ વ્યક્તિ આ નિયંત્રણોનું ઉલ્લંઘન કરતી પકડાશે, તો તેની સામે કાયદાકીય જાેગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ આદેશ કોણે અને કયા કાયદા હેઠળ જારી કર્યો છે?

આ નિર્દેશ મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, અકબર પઠાણ દ્વારા જારી કરવામાં આવ્યો છે. પઠાણે ‘મહારાષ્ટ્ર પોલીસ એક્ટ, ૧૯૫૧‘ની કલમ ૩૩(૧)(ર) અને કલમ ૧૦(૨) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ પ્રતિબંધો લાગુ કર્યા છે. આ આદેશ મુંબઈ પોલીસ કમિશનરેટના અધિકારક્ષેત્ર હેઠળ આવતા બૃહન્મુંબઈ વિસ્તારને લાગુ પડે છે અને તે ૩ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી, એટલે કે એક મહિના માટે અમલમાં રહેશે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધોનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ફટાકડા સંબંધિત પ્રવૃત્તિઓ માત્ર જરૂરી મંજૂરી સાથે જ કરવામાં આવે, જેથી તહેવારોની મોસમ દરમિયાન સત્તાવાળાઓને જાહેર વ્યવસ્થા અને સુરક્ષા જાળવવામાં મદદ મળી રહે.