દિવાળીના તહેવાર પહેલાં આદિવાસી વિસ્તારના શેરડી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વ્યારા સુગર તરીકે ઓળખાતી શ્રી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડના 850થી વધુ ખેડૂતોને શેરડીનાં બાકી નાણાં પેટે રૂ.7.14 કરોડ ચૂકવવામાં આવશે. આ રકમ દિવાળી પહેલાં જ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકારના આ નિર્ણયની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વ્યારા સુગર દ્વારા શેરડીના નાણાં સમયસર ચૂકવી ન શકાતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે.
850થી વધુ ખેડૂતોને સીધો લાભ મળશે સરકાર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આશરે 850થી વધુ ખેડૂતોને કુલ રૂ.7.14 કરોડની રકમ ચૂકવવામાં આવશે. આ રકમ શેરડીનાં બાકી લેણાં પેટે ખેડૂતોને મળશે. ખાસ કરીને દિવાળી પહેલાં નાણાં મળી જવાથી ખેડૂતોને તહેવારની ખરીદી અને ઘરખર્ચમાં આર્થિક રાહત મળશે.
ખેડૂતોને દિવાળી પહેલાં મોટી આર્થિક રાહત જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશાં ખેડૂતોના હિત અને સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોના પરિશ્રમનું યોગ્ય મૂલ્ય મળે અને તેમના પરિવારો તહેવારોની ઉજવણી આનંદથી કરી શકે તે સરકારની પ્રાથમિકતા છે. આ નિર્ણયથી વ્યારા સુગર સાથે જોડાયેલા ખેડૂતોને દિવાળી પહેલાં મોટી આર્થિક રાહત મળશે.

