વડોદરામાં વધુ વ્યાજની લાલચ આપીને રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ કંપનીની ઓફિસ બંધ કરી દેવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 71 વર્ષીય નિવૃત્ત દંપતીને સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં 11થી 12 ટકા વ્યાજ મળવાની ખાતરી આપીને કુલ 23.78 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જોકે, રોકાણની મુદત પૂર્ણ થયા બાદ પણ વ્યાજ સહિતની રકમ પરત ન મળતાં દંપતીએ એજન્ટો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના કારેલીબાગની અજીતનાથ સોસાયટીમાં રહેતા અરુણકુમાર શાહ (ઉં.વ.71) વર્ષ 2013માં નર્મદા સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયા હતા. તેઓ પત્ની ઇનાબેન સાથે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા.
આ દરમિયાન સમૃદ્ધ જીવન કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા સંદીપ નિમ્બાલકર, પ્રજ્ઞેશ દેસાઈ અને સચિન કદમ તેમના સંપર્કમાં આવ્યા હતા. ત્રણેય એજન્ટોએ ઘરે આવી કંપનીમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે અને મુદ્દલ સાથે વ્યાજની રકમ પરત અપાવવાની જવાબદારી પોતાની રહેશે તેવી ખાતરી આપી હતી.
એજન્ટોની વાતોમાં વિશ્વાસ રાખીને દંપતીએ 18 ઓક્ટોબર, 2014ના રોજ પ્રથમ તબક્કે રૂ.2.50 લાખનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ રેટિંગ કોન્ટ્રાક્ટ અને લાઇવ સ્ટોક સહિતની વિવિધ યોજનાઓના નામે તબક્કાવાર 29 સપ્ટેમ્બર, 2015 સુધીમાં કુલ 23,78,637 રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
દંપતીએ અલકાપુરી વિસ્તારમાં માધવ કોમ્પ્લેક્સના ત્રીજા માળે, બોમ્બે શોપિંગ સેન્ટર પાસે આવેલી સમૃદ્ધ જીવન કંપનીની શાખામાં રોકાણ કર્યું હતું. જ્યારે કંપનીની મુખ્ય ઓફિસ મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલી હતી. જોકે, નક્કી કરેલી મુદત પૂર્ણ થયા બાદ પણ દંપતીને તેમની રોકાણ કરેલી રકમ પરત મળી નહોતી. બીજી તરફ, કંપનીની સ્થાનિક ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી.

