જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલા ‘પાપા લુઈસ પિઝા’ રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા પિઝામાંથી વાળ અને જીવડું નીકળ્યાનો ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે. ગ્રાહક શિવરાજસિંહ સોલંકીએ રેસ્ટોરન્ટના સ્ટાફના વલણ અને મહાનગરપાલિકાની ફૂડ શાખાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. રાત્રે ફૂડ શાખામાં સંપર્ક ન થતાં તેમણે પોલીસની મદદ લીધી હતી, જ્યારે સવારે કચેરીએ પહોંચતા અધિકારી હાજર નહોતા.
અનલિમિટેડ પિઝામાં પ્રથમ વાળ અને બાદમાં જીવડું જોવા મળ્યું શિવરાજસિંહ સોલંકી 2 મિત્રો સાથે ગત રાત્રે 8 વાગ્યાની આસપાસ રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ પિઝા ખાવા ગયા હતા. જમતી વખતે પિઝામાંથી વાળ નીકળતા તેમણે સ્ટાફને જાણ કરી હતી, પરંતુ સ્ટાફે ભૂલ સ્વીકારી નહોતી. ત્યારબાદ પીરસાયેલા અન્ય પિઝા પર જીવડું દેખાતા ગ્રાહકોએ ફરી ફરિયાદ કરી હતી, જેના જવાબમાં સ્ટાફે આ વસ્તુ પોતાની ન હોવાનું જણાવ્યું હતું.

