Gujarat

ગુજરાતમાં હોમસ્ટે શરૂ કરવું બનશે વધુ સરળ

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે સ્વરોજગારની નવી તકો ઊભી કરવા અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા રાજ્ય સરકારે હોમસ્ટે નીતિમાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારથી હવે હોમસ્ટે વ્યવસાય શરૂ કરવો અને તેનું સંચાલન કરવું વધુ સરળ બનશે. નવી જોગવાઈ મુજબ, હોમસ્ટેમાં મંજૂર રૂમની મહત્તમ મર્યાદા 6થી વધારીને 9 કરવામાં આવી છે. સાથે જ હવે હોમસ્ટેના માલિકે પરિસરમાં પ્રત્યક્ષ રહેવું ફરજિયાત રહેશે નહીં.

મેનેજર રાખીને પણ હોમસ્ટે ચલાવી શકાશે નવી નીતિ મુજબ હવે હોમસ્ટેના માલિકને સ્થળ પર સતત હાજર રહેવાની જરૂર રહેશે નહીં. માલિક પોતાના બદલે અધિકૃત મેનેજરની નિમણૂક કરીને પણ હોમસ્ટેનું સંચાલન કરી શકશે. આ ઉપરાંત નોંધણી વખતે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ રજૂ કરવાની અનિવાર્યતા પણ દૂર કરવામાં આવી છે. જોકે પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત નિયમો યથાવત્ રાખવામાં આવ્યા છે.

ઓનલાઇન સેલ્ફ-રિન્યુઅલની સુવિધા હોમસ્ટેની નોંધણી હવે બે વર્ષ માટે માન્ય રહેશે. નોંધણીનું રિન્યુઅલ કરાવવા માટે વારંવાર ભૌતિક ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. સંચાલકો ઓનલાઇન સેલ્ફ-ડિક્લેરેશનના આધારે રિન્યુઅલ કરાવી શકશે. જોકે જરૂરિયાત જણાય તો વિભાગ દ્વારા રિસ્ક-બેઝ્ડ અથવા રેન્ડમ તપાસ કરવામાં આવશે.

હોમસ્ટે શરૂ કરવા ઇચ્છુક નાગરિકો પ્રવાસન વિભાગની સત્તાવાર વેબસાઇટ https://commissionertourism.gujarat.gov.in/home-stay/register પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે.