Gujarat

ગાંધીનગર પાલજ સ્થિત આઈઆઈટીના રિસર્ચરને ફ્રી લેપટોપ અને એસીની લાલચ આપી 1.70 લાખ પડાવ્યા

ગાંધીનગર આઈ.આઈ.ટી. પાલજ ખાતે રિસર્ચર તરીકે ફરજ બજાવતા એક મહિલા સાથે મફત લેપટોપ અને એ.સી. આપવાની લાલચ આપી ટેક્સ, પ્રોસેસિંગ ફી, ટી.ડી.એસ. અને મલ્ટી ટ્રાન્ઝેક્શન ચાર્જના નામે કુલ રૂ.1,70,903 ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મહિલાને વ્હોટ્સએપ મેસેજ અને કોલ આવ્યો મૂળ પશ્ચિમ બંગાળના કલકત્તાના વતની અને હાલ ગાંધીનગરના પાલજ સ્થિત આઈ.આઈ.ટી. કેમ્પસ હોસ્ટેલમાં રહી નોકરી કરતા 40 વર્ષીય દેબોલીના મીનારકાન્તી ચેટરજીને ગત તા.11 ઓક્ટોબરના રોજ બપોરના સમયે મોબાઈલ પર વ્હોટ્સએપ મેસેજ અને કોલ આવ્યો હતો. કોલ રિસીવ કર્યા બાદ એક મહિલાએ ઓનલાઈન પરફ્યુમ ખરીદવા પર લેપટોપ અને એ.સી. જેવી વસ્તુઓ ફ્રીમાં આપવાની લાલચ આપી હતી અને ‘indiastore4u.com’ નામની શોપિંગ લિંક મોકલી હતી.

ટેક્સ અને પ્રોસેસિંગ ફી ચૂકવવાનું કહી ક્યુ.આર. કોડ મોકલ્યો આ સાંભળી દેબોલીના ચેટરજીએ લિંક પરથી રૂ. 595 ની કિંમતનું ‘BELLA VITA LUXUR’ પરફ્યુમ ખરીદ્યું હતું અને ત્યારબાદ ઈન્ડિયા સ્ટોર પરથી ઓર્ડર કન્ફર્મ થયાનો ઈ-મેઈલ પણ મળ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે અન્ય એક મોબાઈલ નંબર પરથી આવેલા ફોનમાં લેપટોપનો કલર પસંદ કરાવ્યા બાદ ટેક્સ અને પ્રોસેસિંગ ફી ચૂકવવાનું જણાવી વ્હોટ્સએપ પર ક્યુ.આર. કોડ મોકલવામાં આવ્યો હતો.