Gujarat

અનાથ દીકરીઓની છેડતી કરનાર હોટેલના બે કર્મચારીને 3 વર્ષની કેદ

ગાંધીનગરના બાલવા-માણસા રોડ પર આશ્રમમાં રહેતી અનાથ કિશોરીઓ સાથે બાજુની ટહુકો હોટલ સ્ટાફના કર્મચારીઓ દ્વારા છેડતી, બિભત્સ હરકતો, અપમાનજનક ટિપ્પણીઓ અને ગાળાગાળી કરવા મામલે ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટે બે આરોપીને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા અને ₹ 3 હજારનો દંડ ફટકાર્યો હતો.

દીકરીઓએ આશ્રમની બાજુમાં ઘાસ નાખવા કહ્યું હતું બીજી ઓગસ્ટ 2024ની સાંજે અનાથ દીકરીઓ આશ્રમના ગ્રાઉન્ડમાં રમી રહી હતી. તે સમયે બાજુમાં આવેલી ટહુકો હોટલના મેનેજર સહિત સ્ટાફના ત્રણ માણસ હોટલમાં ઘાસ કાપી રહ્યા હતા. આ ઘાસને ગાયો ખાઈ શકે એ માટે આશ્રમની દીકરીઓએ નાળિયામાં ઘાસ નાખવા જણાવ્યું હતું.

ખરાબ ચેનચાળા કરી દીકરીઓની છેડતી કરી આ બાબતે હોટલ સ્ટાફના માણસો દીકરીઓ સામે જોઈ જોરજોરથી હસી ઠઠ્ઠા-મશ્કરી કરવા લાગ્યા હતા અને ખરાબ ચેનચાળા કરી છેડતી કરવા લાગ્યા હતા.

તેમાંથી બે શખસે દીકરીઓ સામે પેન્ટની ચેઈન ખોલી બિભત્સ હરકતો કરી જાતિ વિષયક શબ્દો બોલી અપમાન કરી ગાળાગાળી અને ગંદા ઈશારા કર્યા હતા. જેના પગલે દીકરીઓ ટહુકો હોટલ ખાતે ગઈ હતી અને માલિક અંગે પૂછપરછ કરી હતી. બાદમાં દીકરીઓએ મેનેજરના ફોનથી હોટલના માલિક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વાત સાંભળી યોગ્ય જવાબ આપ્યા વિના ફોન કાપી નાખવામાં આવ્યો હતો.