ગુજરાતમાં ખાદ્ય સુરક્ષાને લઈને રાજ્ય સરકારે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના નાગરિકો અને મુસાફરોને શુદ્ધ તથા આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે આજથી એટલે કે 19 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ ફૂડ સેફ્ટીની મેગા ડ્રાઈવ શરૂ કરાશે. આ અભિયાન અંતર્ગત નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તેમજ ફૂડ સર્વિસ સાથે સંકળાયેલા એકમોનું સઘન ચેકિંગ કરાશે. નિયમોનો ભંગ કરનારા એકમો સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને ખોરાક-ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ખાદ્ય સુરક્ષાની સ્થિતિ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને હોટેલ-રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના નિયમોના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંત્રીએ અધિકારીઓને રાજ્યવ્યાપી તપાસણી ઝુંબેશ શરૂ કરવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા.
તમામ જિલ્લાઓમાં અધિકારીઓને તપાસના આદેશ આ અભિયાનને અસરકારક બનાવવા માટે તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓનું સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરોની હોટલો અને રેસ્ટોરન્ટ્સ પણ તપાસના દાયરામાં આવશે.

