ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલા નકલંક ધામ (ઠાકર દ્વારા) ખાતે એકસાથે 5 તુલસી વિવાહ યોજાયા. રાણીમાં રૂડીમા ઠાકરની આ જગ્યાએ ઇતિહાસમાં બીજી વખત આ આયોજન થયું હતું. કાર્યક્રમમાં સંતો-મહંતો, ભરવાડ સમાજના આગેવાનો અને હજારો ભક્તો હાજર રહ્યા હતા. 7 ફૂટનો લાકડાનો માણેક સ્તંભ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતો.

નકલંક ધામના રતનમા દ્વારા ભક્તોને કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ 5 તુલસી વિવાહ જોવા ઉમટ્યા હતા. વિવાહ પહેલાં 5 ઠાકરની જાન વોરા કોટડા રોડ પરથી નકલંક ધામ પહોંચી હતી. જાનમાં એક ઘોડા-બગી અને 5 શણગારેલી ગાડીઓ જોડાઈ હતી. જાનૈયાઓએ રાસ-ગરબા અને હુડા રમ્યા હતા.

ગામ માવતર પરંપરાગત મોરલના શણગાર સાથે નેહડાનો પહેરવેશ પહેરીને હાજર રહ્યા હતા. ધામમાં આવેલા 5 ઠાકરનું રતનમા અને તેમના ગુરુ જાનબાઈમાએ કંકુ-ચોખા કરીને સ્વાગત કર્યું હતું.

