Gujarat

વેરાવળની અદાલતે વેપારીને ત્રણ કેસમાં એક-એક વર્ષની કેદ અને ફરિયાદીને રૂ.14,05,230 વળતર ચૂકવવાનો હુકમ કર્યો

ઘઉંના ઉધાર માલની ચુકવણી પેટે આપેલા કુલ 14,05,230 રૂપિયાના 3 ચેક પરત ફરવાના 3 અલગ-અલગ કેસમાં વેરાવળની અદાલતે આરોપી વેપારીને તકસીરવાન ઠરાવી પ્રત્યેક કેસમાં 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ફરિયાદી વેપારીને લેણી રકમ 14,05,230 રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.

કેસની વિગત મુજબ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામે આવેલી રામદૂત એન્ટરપ્રાઇઝ પેઢીના વેપારી ભુપત જાદવ પાસેથી ઘુસિયા ગીરની એસ.આર. ટ્રેડિંગ પેઢીના વેપારી સિદ્ધાર્થ રાણાભાઈ રામે કુલ 1235 બોરી ઘઉંનો માલ ઉધાર ખરીદ્યો હતો, જેની કુલ કિંમત 14,05,230 રૂપિયા થતી હતી.

આ રકમની ચુકવણી પેટે સિદ્ધાર્થ રાણાભાઈ રામે પોતાના તાલાલા એક્સિસ બેંકના ખાતાના 3 ચેક ભુપત જાદવને આપ્યા હતા. ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતાં ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે ત્રણેય ચેક રિટર્ન થયા હતા.

ચેક પરત ફર્યા બાદ ભુપત જાદવે એડવોકેટ રીતેષ પંડ્યા, તેજસ પી. પંડ્યા, પરેશ ટીમાણીયા અને રમેશ બી. પંડિત મારફતે વેરાવળની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં 3 અલગ-અલગ ફરિયાદ દાખલ કરી હતી.

બંને પક્ષની રજૂઆતો અને દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશ જયશ્રીબેન દીપકકુમાર અમીને ઘુસિયા ગામના વેપારી સિદ્ધાર્થ રાણાભાઈ રામને ત્રણેય કેસમાં દોષિત ઠેરવ્યા હતા. અદાલતે ત્રણેય કેસમાં 1-1 વર્ષની સાદી કેદની સજા અને કુલ 14,05,230 રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાને પગલે સ્થાનિક વેપારી વર્તુળમાં ચર્ચા જાગી છે.