Gujarat

જોડિયા રેન્જમાં જળ-જમીનનું સંગમસ્થાન 14 નિવસન તંત્રોનું જૈવ વિવિધતાનું જગત

જામનગર સ્થિત મરીન નેશનલ પાર્ક અંતર્ગત આવતી જોડિયા રેન્જ પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ અને વૈવિધ્યસભર વિસ્તાર છે. આ વિસ્તાર માત્ર દરિયાઈ જીવો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આર્દ્રભૂમિ (વેટલેન્ડ) અને મરીન લાઇફનું એક અદભુત સંગમસ્થાન છે.

જોડિયા રેન્જમાં કુલ 14 જેટલા વિવિધ પ્રકારના કુદરતી અને માનવસર્જિત નિવસનતંત્રો (Ecosystems) એકબીજા સાથે જોડાયેલા છે, જે પર્યાવરણીય સંતુલન અને વન્યજીવોના સંરક્ષણ માટે કરોડરજ્જુ સમાન છે. જોડિયા રેન્જની નજીક આવેલા મીઠા પાણીના તળાવો અને સામાન્ય કાંટાળા જંગલો શિયાળા દરમિયાન દેશ-વિદેશથી આવતા પ્રવાસી પક્ષીઓ માટે ઉત્તમ આશ્રયસ્થાન બને છે, જ્યાં શિયાળ જેવા વન્યજીવો પણ મુક્તપણે વિહરે છે.

બીજી તરફ, દરિયા કિનારા નજીક આવેલા ખારા પાણીના તળાવો અને ચેરના જંગલો (Mangroves) કિનારાના પર્યાવરણને સુરક્ષિત રાખે છે. અહીં કાદવમાં રહેતા કરચલા અને અન્ય સૂક્ષ્મ જીવો દરિયાઈ આહાર શૃંખલા માટે અત્યંત મહત્વના છે.