Gujarat

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરી યાત્રાળુઓ પર્વત પર પહોંચ્યા, સીડીઓ પર ઉમટી ભારે ભીડ

​જૂનાગઢ ખાતે ગિરનારની લીલી પરિક્રમા તા. 20 મીએ વહેલી શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારે લાખો લોકોએ પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધી પરિક્રમા પૂર્ણ કરી છે અને હજુ પણ ઘણા લોકો પરિક્રમા રૂટ પર ચાલી રહ્યા છે. વહેલા પરિક્રમા પૂર્ણ કરનાર યાત્રાળુઓ હાલ ગિરનાર પર્વત પર ભારે ભીડ સાથે જોવા મળી રહ્યા છે.

ઘણા યાત્રાળુઓ રોપવે મારફત તો ઘણા સીડી ચડીને ગિરનાર પર્વત પર મા અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, જેના કારણે ગિરનાર પર્વતની સીડીઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. યાત્રાળુઓએ તંત્રની સુવિધા તેમજ પોલીસ અને વન વિભાગની કામગીરીને બિરદાવી છે, જ્યારે પર્વત પર પોલીસનો ખડેપગે બંદોબસ્ત તૈનાત છે.

​મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામના યાત્રાળુ રામાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે ગોરખનાથ મંદિર અને અંબાજી માતાના મંદિર સહિતની તમામ પરિક્રમા સંપૂર્ણપણે પૂરી કરી છે અને હું બે વર્ષથી પરિક્રમા કરું છું.

યુવાનોને મારો સંદેશ છે કે દરેકે આ રીતે દર્શન કરવા જોઈએ. આટલું ચાલીને આવ્યા હોવા છતાં અમને કોઈ થાક કે તકલીફ નથી અને અમે બિન્દાસ છીએ. દર્શન કરીને ખૂબ મજા અને મોજ આવી છે, લોકો ખુશાલીથી દર્શન કરી રહ્યા છે અને સુવિધા-વ્યવસ્થા પણ બધી ખૂબ સુંદર છે.

​મહારાષ્ટ્રના બદલાપુરથી આવેલા યાત્રાળુ પ્રિયાબેને જણાવ્યું હતું કે અમારી પરિક્રમા પરમદિવસે થઈ અને અમને ખૂબ સારું લાગ્યું તથા મનની તમામ મુરાદ પૂરી થઈ છે, તેમજ દત્ત શિખર પણ પૂર્ણ કર્યું છે. અમે સવારે ૯ વાગ્યે નીકળ્યા હતા અને અત્યારે 2:30 વાગ્યે અંબા માતાજી પાસે પહોંચ્યા છીએ.

ગઈકાલે પરિક્રમા કરીને ખૂબ થાકી ગયા હોવાથી અહીં આવવાનું નક્કી ન હતું, પરંતુ મહારાજે બોલાવી લીધા અને સાંજ સુધીમાં તબિયત સારી થઈ જતાં સવારે જવાનું નક્કી કર્યું અને પરિક્રમા તથા દત્ત શિખર પૂર્ણ થયું. બંને જગ્યાની પરિક્રમા કરીને ખૂબ સારું લાગ્યું છે, હું બે વર્ષ પહેલાં પણ આવી હતી; દત્ત મહારાજની ખૂબ મહેરબાની છે અને તેમણે મારી બધી મુરાદ પૂરી કરી છે.