Gujarat

ગુજરાતના જંગલોમાં ‘બિગ કેટ્સ’નો જમાવડો

ગુજરાતમાં 3 મહિનામાં ચિત્તા અને એક વાઘણ આવશે. રાજ્યના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ દિવ્ય ભાસ્કરને આ એક્સક્લૂસિવ માહિતી આપી છે. કેન્યાથી એક નર ચિત્તો, એક માદા અને 2 બચ્ચાંને કચ્છના બન્નીમાં લવાશે. જ્યારે મધ્યપ્રદેશમાંથી વાઘણને પણ ગુજરાત લાવવાની તમામ તૈયારીઓ થઇ ગઇ છે. આ સાથે જ ગુજરાત સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા જેવા બિલાડી કૂળના પ્રાણીઓ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે.

ટૂંક સમયમાં વાઘણની પણ એન્ટ્રી પંચમહાલ જિલ્લામાં રહેતા નર વાઘ માટે મધ્યપ્રદેશથી વાઘણ લવાશે. આવનારા 3 મહિના પહેલાં વાઘણને ગુજરાતમાં લાવવાની તમામ તૈયારીઓ પૂરી થઇ ગઇ છે. રતનમહાલના જંગલોમાં રહેતા વાઘ માટે રાજ્ય સરકારે વાઘણ લાવવાની માગ કરી હતી. NCTAની ટીમે જંગલની મુલાકાત લીધા બાદ વાઘણને ગુજરાતમાં સ્થળાંતરિત કરવાની મંજૂરી આપી દીધી હતી.

કચ્છમાં 154 વર્ષ બાદ ચિત્તાની ઘરવાપસી થશે ચિત્તા માટે કેન્યામાં જોવા મળતાં ખુલ્લા મેદાન જેવા 500 હેક્ટરના વાડા બન્નીમાં બનાવાયા છે. જ્યાં તેમને રાખવામાં આવશે. આ પહેલાં મધ્યપ્રદેશમાં જે ચિત્તા લવાયા હતા તે નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લવાયા હતા. જ્યારે ગુજરાતમાં આવનારા ચિત્તા કેન્યાથી આવતા હોવાથી તેની અલગ પ્રજાતિ હશે. ચિત્તા નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ પણ બન્નીના આ મેદાનની મુલાકાત લીધી હતી.