સુરતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો રોમાંચ જામશે. ભારત અને ઇંગ્લેન્ડની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાનારી પાંચ ટી-20 મેચોની શ્રેણીના અંતિમ ત્રણ મુકાબલા 1 થી 6 ડિસેમ્બર, 2026 દરમિયાન સુરતમાં રમાશે. ખાસ વાત એ છે કે, આ મેચો જોવા માટે દર્શકોનો પ્રવેશ સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે.
સુરત અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે કે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)નું પ્રતિનિધિત્વ કરતી યુવા ખેલાડી અખ્સાહ પરમારને ભારતીય અંડર-19 મહિલા ટીમમાં સ્થાન મળ્યું છે. ગૌરી ગોયલ બાદ અખ્સાહ પરમાર સુરતની એવી બીજી ખેલાડી બની છે, જેને ભારતીય ટીમની જર્સી પહેરવાની તક મળી છે. ઘરઆંગણે રમાનારી આ શ્રેણીમાં તેની પાસે પોતાની પ્રતિભા સાબિત કરવાની શાનદાર તક રહેશે.
સુરતના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી શહેરમાં આંતરરાષ્ટ્રીય મુકાબલાઓની રાહ જોઈ રહ્યા હતા. અગાઉ વર્ષ 2019માં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે સુરતમાં આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ હતી. ત્યારબાદ હવે આ શ્રેણી થકી ક્રિકેટ પ્રેમીઓનો ઇન્તેજાર પૂરો થશે. પાંચ મેચોની આ શ્રેણીના પ્રથમ બે મુકાબલા વડોદરામાં રમાશે, જ્યારે અંતિમ ત્રણ નિર્ણાયક મેચો સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે.
બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલી ભારતીય અંડર-19 મહિલા ટીમની કેપ્ટનશિપ ભાવિકા અહિરેને સોંપવામાં આવી છે, જ્યારે અનાદી તાગડે વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે. ટીમમાં અખ્સાહ પરમાર ઉપરાંત ઈરા જાધવ, નિધિ મહતો, પૂર્વા વાપ, મહક નરવાસે, શ્રેયા એસ. ચવ્હાણ, મૈત્રી મનિયાર, ઈશ્વરી અવસરે, દિયા યાદવ, સમાયરા રાઘવ, કુમારી પલક, ઉમા કાશ્વી અને પલક સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

