જનનીની જોડ સખી નહીં મળે રે લોલ…માતૃત્વની આ ગરિમાને વધુ સુરક્ષિત, સ્વસ્થ અને સકારાત્મક અનુભવ બનાવવા તેમજ કુદરતી પ્રસૂતિ અંગે સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે સોસાયટી ઓફ મિડવાઇવ્ઝ ઇન્ડિયા (SOMI) દ્વારા સમગ્ર દેશમાં Nation-Wide Walk for Natural Birthingનું આયોજન કરવામાં આવ્યું હતું.
SOMIના સ્થાપક અધ્યક્ષ ડૉ.પ્રકાશમ્મા, પ્રમુખ ડૉ.ઉષા ઉકાંડે તથા ઉપપ્રમુખ જસુબેન પાટીદારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે જામનગરમાં વિશાળ જાગૃતિ રેલી યોજાઈ હતી.
જામનગરમાં આ રેલીનું આયોજન SOMI ગુજરાતના પ્રમુખ અને સરકારી નર્સિંગ કોલેજ, જામનગરના પ્રિન્સિપાલ ભારતીબેન સનાડિયાના નેતૃત્વ હેઠળ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીનું ઉદ્ઘાટન જામનગર શહેરના મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પંકજ કુમાર તથા IEC અધિકારી નીરજ મોદી ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પંકજ કુમારે સમાજમાં વધતા જતા સિઝેરિયન પ્રસૂતિના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી, કુદરતી પ્રસૂતિના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને આ જનજાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું.

