ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધારૂકા ગામે વાડી પાસે દારૂ પીવાની ના પાડવાની અદાવતમાં ગામના જ બે શખસે ખેડૂત, તેના મોટાભાઈ અને મિત્રના ભાઈ પર હોકી, લાકડી તેમજ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઉમરાળા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાડીએ તાપણું કરી રહેલા ખેડૂત અને ભાઈ પર હોકી-લાકડીથી હુમલો ધારૂકા ગામના કોળીવાડ વિસ્તારમાં રહેતા 41 વર્ષીય ખેડૂત અશોકભાઈ રવજીભાઈ બારૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગામમાં રહેતો દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ અવારનવાર તેમની વાડી પાસે દારૂ પીવા આવતો હોવાથી અશોકભાઈએ તેને ના પાડી હતી.
જેની દાઝ રાખી ગત 21 નવેમ્બર, 2026ની રાત્રે અશોકભાઈ, તેમના મોટાભાઈ પ્રવીણભાઈ અને મિત્ર વનરાજસિંહ ગોહિલ વાડીએ તાપણું કરી રહ્યા હતા, ત્યારે દિવ્યરાજસિંહ અને નયપાલસિંહ શક્તિસિંહ ગોહિલ બાઈક પર આવ્યા હતા અને અપશબ્દો બોલી અશોકભાઈ પર હોકી-લાકડી વડે હુમલો કરી પ્રવીણભાઈને ધક્કો મારી પછાડી દીધા હતા.
મિત્રને બચાવવા વચ્ચે પડેલા ભાઈને છરી મારી ધમકી આપી ફરાર ત્યારબાદ બંને આરોપીઓ અશોકભાઈના મિત્ર વનરાજસિંહને મારવા ગામ તરફ ગયા હતા, જ્યાં વનરાજસિંહને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ શિવરાજસિંહ ગોહિલ પર દિવ્યરાજસિંહે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને કેસ કરશે તો મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને ઉમરાળા દવાખાને પ્રાથમિક સારવાર બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યારે પોલીસે BNS એક્ટ 115(2), 118(1), 352, 351(3), 54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

