Gujarat

ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી દારૂની 1,510 બોટલો મળી

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંબાલી ગામ નજીક દિલ્હી-મુંબઈ કોરિડોર પર SMCની ટીમે સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 1,510 નંગ જપ્ત કર્યા. રાજસ્થાનથી વડોદરા લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે.

SMCને બાતમી મળી હતી કે રાજસ્થાનથી સ્વિફ્ટ કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વડોદરા લઈ જવાઈ રહ્યો છે. કારમાં પોલીસથી બચવા ખોટી નંબર પ્લેટ લગાવાઈ હોવાની માહિતી પણ મળી હતી.

બાતમીના આધારે ટીમે અંબાલી નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતાં તેમાંથી દારૂ અને બિયરના ટીન મળ્યા હતા. કારમાંથી તેની અસલ નંબર પ્લેટ પણ મળી આવી હતી.

SMCએ દારૂ લઈ જતા અશોક જાટ અને નર્સિંગારામ જાટની ધરપકડ કરી હતી. દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત કુલ સાત આરોપીઓ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.