અમદાવાદના વટવા વિસ્તારમાં રીક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયેલા 31 વર્ષીય વોન્ટેડ આરોપી તરીકુલ ઉર્ફે તારીકુલ મિજાનુર શેખને સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. મૂળ અમદાવાદના શાહ આલમ ચંડોળા તળાવ પાસે મુસ્તફા મસ્જિદ નજીક રહેતો આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સુરત ભાગી આવ્યો હતો અને છેલ્લા 15 દિવસથી ભીંડી બજાર વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં છુપાઈને છૂટક મજૂરીકામ કરતો હતો.
રીક્ષામાં બેસવા બાબતે થયેલા ઝઘડામાં સુલેમાન શેખની હત્યા થઈ ગત 29 માર્ચ, 2026ના રોજ રાત્રે 9:45 વાગ્યાની આસપાસ અમદાવાદના વટવા ગામ શાકમાર્કેટની બાજુમાં આવેલા જાહેર શૌચાલય આગળ આરોપી તરીકુલ શેખ, તેના સાગરીત કિષ્ના ઉર્ફે ક્રુષ્ણા ખૈરે અને અરૂણ ચુનારાએ સુલેમાન શેખ સાથે રીક્ષામાં બેસવા બાબતે ઉગ્ર ઝઘડો કર્યો હતો.
આ બોલાચાલી દરમિયાન ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓએ સુલેમાનને ગડદાપાટુ અને લાફાઓથી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ સુલેમાનનું ગળું પકડી તેનું માથું રીક્ષાના લોખંડના પાઈપ સાથે જોરથી અથડાવી ગંભીર ઈજા પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આર્મ્સ સ્કોડની ટીમે ભીંડી બજાર ઉન પાટીયા પાસેથી આરોપીને દબોચ્યો હત્યાના ગંભીર ગુનાને અંજામ આપ્યા બાદ પોલીસ પકડથી બચવા માટે આરોપી તરીકુલ શરૂઆતમાં અમદાવાદમાં જ અલગ-અલગ જગ્યાએ સંતાતો ફરતો હતો. જોકે, પોલીસ તપાસ તેજ બનતા પકડાઈ જવાના ડરથી તે 15 દિવસ પહેલા સુરત નાસી આવ્યો હતો.
દરમિયાન સુરત ક્રાઇમ બ્રાંચના આર્મ્સ સ્કોડના પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી તરીકુલ શેખ હાલ સુરતના ભીંડી બજાર વિસ્તારમાં રહે છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી આરોપીને ભીંડી બજાર ઉન પાટીયા પાસેથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબ્જો અમદાવાદ વટવા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

