અમદાવાદના રામોલમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા મહિલા કર્મી ઓફિસમાં કામ કરી રહ્યા હતા. તેમનો બે વર્ષીય પુત્ર બહાર કમ્પાઉન્ડમાં રમતો હતો. અચાનક સ્ટાફ બે વર્ષીય બાળકને લોહીલુહાણ હાલતમાં લઇને માતા પાસે પહોંચ્યો હતો અને બાદમાં તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યુ હતું. બાદમાં તપાસ દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરની કારના ચાલકે જ ટક્કર મારી હોવાની માહિતી મળી હતી. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. બીજા એક અકસ્માતમાં સરખેજ-વેજલપુર રોડ અંબર ટાવર પાસે સગીરાએ અકસ્માત કરતા યુવકનું મોત થતા સગીરાના પિતા સામે ગુનો નોંધાયો છે.
પ્રથમ બનાવ મહિલા કર્મીના 2 વર્ષીય દીકરાને કાર ચાલકે અડફેટે લીધો ચાંદખેડામાં રહેતા કલ્પનાબેન પરમાર રામોલમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ડેટા આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત 16 નવેમ્બરે કલ્પનાબેન બે વર્ષીય દીકરા મોક્ષને લઇને નોકરીએ ગયા હતા. તે કામ કરી રહ્યા હતા ત્યારે મોક્ષ બહાર રમતો હતો.
આ દરમિયાનમાં અર્બન હેલ્થ સેન્ટરની ગાડીના ડ્રાઇવર દક્ષેશભાઇ પટેલ બહારથી ગાડી લઇને અર્બન હેલ્થ સેન્ટરના કમ્પાઉન્ડમાં જતા મોક્ષને ટક્કર મારતા તે પટકાયો હતો. માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મોક્ષને સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજતા આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક દક્ષેશ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજો બનાવ સગીરાએ અકસ્માત કરતા યુવકનું મોત બીજી તરફ સરખેજ-વેજલપુર રોડ અંબર ટાવર પાસે 3 ઓક્ટોબરે 24 વર્ષીય ભીમકુમાર હરીકિશોર મહતો શીફા સ્ટીલ ટ્રેડર્સ નામની દુકાન સામેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન સરખેજ તરફથી આવતાં ઈલેક્ટ્રિક સ્કૂટરની ટક્કર વાગતાં તેઓ રોડ પર પટકાયા હતા. ભીમકુમાર રોડ પર પડ્યા તે જ સમયે બાજુમાંથી પસાર થતી ટ્રકનાં ડાબી બાજુનાં ટાયર તેમના શરીર પરથી ફરી વળ્યાં હતાં. જેથી ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

