વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રાજ્યભરમાં મોબાઇલ ટાવરોમાંથી કોપરના કેબલની ચોરી કરતી ટોળકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે અમદાવાદના વિશાલ રમેશભાઇ રાજપૂત નામના શખસને વાઘોડિયા બ્રિજ નજીકથી શંકાસ્પદ કોપરના વાયરો સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ છેલ્લા 7થી 8 મહિનામાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આવેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવી કોપરના વાયરોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે તેની પાસેથી 117 મીટર કોપરના વાયર, ચોરીમાં ઉપયોગમાં લેવાતું મોપેડ, મોબાઇલ ફોન અને વાયર કાપવાની પકડ સહિત કુલ 93,050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ સાથે કરજણ, કઠલાલ અને કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સહિતના 12થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે વાઘોડિયા બ્રિજથી આગળ હાઇવે રોડ ઉપર TVS જ્યુપિટર મોપેડ પર પસાર થઈ રહેલા વિશાલ રમેશભાઇ રાજપૂતને રોક્યો હતો. તેની પાસેથી શંકાસ્પદ કોપરના વાયરોના આશરે 40 મીટર જેટલા ટુકડા અને વાયર કાપવાની પકડ મળી આવી હતી. પોલીસે વાયરો અંગે આધાર-પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી તેની સઘન પૂછપરછ કરવામાં આવતાં સમગ્ર ચોરીકાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીએ છેલ્લા 7થી 8 મહિનાથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં મોબાઇલ ટાવરની સાઇટ પર જઈ ત્યાં લગાવવામાં આવેલા કોપરના કેબલ પકડ વડે કાપીને ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું.
આરોપીએ કરજણ તાલુકાના લકોદરા અને બામણગામની સીમ, દુમાડ ખાતે એક્સપ્રેસ હાઇવે બ્રિજ નજીક, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પોરડા-ફાગવેલ, કઠલાલ-નડિયાદ રોડ પરના ઓવરબ્રિજ નજીક, કપડવંજના સોરણાગામ, વહેલાલ, દહેગામ તેમજ મહેસાણા હાઇવે અને કંચનપુરા, સુખપુરા તથા રાજગર ગામ નજીક આવેલા મોબાઇલ ટાવરોને નિશાન બનાવ્યા હતા.

