Gujarat

વડોદરાનો યુવક પણ SDPAY એપ્લિકેશનની જાળમાં ફસાયો

વડોદરા જિલ્લાના સિંધરોટ ગામના રહેવાસી અને એશિયન પેઇન્ટ્સમાં નોકરી કરતા એક કર્મચારી સાથે ઓનલાઈન રોકાણ અને દૈનિક કેશબેકની લાલચ આપી ₹11,30,000ની મોટી સાયબર ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ભોગ બનનાર દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્યમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કેશબેક અને સારા નફાની લાલચ આપી વડોદરા તાલુકાના સિંધરોટ ગામના ચોકારીપુરા વિસ્તારમાં રહેતા અને મકરપુરા સ્થિત એશિયન પેઇન્ટ્સ લિમિટેડમાં ફરજ બજાવતા બળવંતસિંહ અંબાલાલ ગોહિલને ડિસેમ્બર 2025 આસપાસ તેમના મિત્ર અજીત મહિડા દ્વારા ‘SDPAY’ એપ્લિકેશન અંગે માહિતી મળી હતી.

આ એપ્લિકેશનમાં રોકાણ કરવાથી સારો નફો અને રોજનું કેશબેક મળશે તેમ જણાવાયું હતું, ત્યારબાદ અન્ય લોકોના રિવ્યુ જોઈ વિશ્વાસ કેળવી ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાની વ્યક્તિગત અને બેંક વિગતો સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

તબક્કાવાર 11.30 લાખને ઓનલાઈન ટ્રાન્સફર 18 ડિસેમ્બર 2025ના રોજ એપ્લિકેશનમાં લોગીન કર્યા બાદ વિવિધ વિકલ્પો મારફતે ભોગ બનનારના ICICI બેંક ખાતામાંથી ‘SD PAY Apna Pay’ ખાતામાં અલગ-અલગ તારીખોએ કુલ 11.30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાયા હતા. આ રકમમાં 19 ડિસેમ્બર, 2025ના રોજ રૂ.3.50 લાખ અને 50,000, 23 ડિસેમ્બર, 2025ના રોજ 30,000 તેમજ 31 જાન્યુઆરી, 2026ના રોજ રૂ.7 લાખનો સમાવેશ થાય છે.