જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી, જિલ્લા પંચાયત કચેરી જેવી તમામ અન્ય સરકારી કચેરીઓમાં જાહેર જનતાને લગત કામગીરી કરવામાં આવે છે, જ્યાં રોજેરોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ સબબ આવતી હોય છે. કેટલાક બનાવોમાં આ કચેરીઓની આસપાસ તથા નજીકના કેટલાક સ્થળે કેટલાક ઇસમો એકલા અથવા ટોળામાં જાહેર જનતા પાસેથી છેતરપિંડી આચરી પૈસા પડાવે છે અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી ઉલટી સીધી વાતો કરી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિઓ કરતા હોવાનું જણાયું છે.
આ બનાવોને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જામનગર મિતેશ પી. પંડ્યા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૧) હેઠળ તેમને મળેલ સત્તાની રૂઈએ જામનગર જિલ્લામાં આવેલ કલેકટર કચેરી, તમામ પ્રાંત અધિકારીઓની કચેરીઓ, તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, ઝોનલ કચેરીઓ, જી.જી.હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન-૨, જિલ્લા સેવા સદન-૩, જિલ્લા સેવા સદન-૪, મહેસુલ સેવાસદનમાં આવેલ સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષકની કચેરી, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ તથા તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનો, જામનગર મહાનગરપાલિકાની કચેરી તથા તે કચેરી હેઠળની ઝોન કચેરીઓ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને આર.ટી.ઓ. ચેકપોસ્ટ તથા જિલ્લામાં આવેલ તમામ અન્ય સરકારી કચેરીઓમાં જ્યાં રોજે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી જિલ્લાની સરકારી કચેરીઓમાં સરકારી કામે આવેલ હોય, કામ કરતા હોય તેવા અગર વાજબી કામે આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી આ કચેરીઓમાં આવતી જાહેર જનતા/અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિઓ કરી રહેલ ઇસમોને તા.૦૩ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ની પેટા કલમ-(૩) હેઠળ અને ભારતીય ફોજદારી અધિનિયમ ૧૯૬૦ની કલમ-૧૮૮ મુજબ શિક્ષા પાત્ર થશે.
