ગાંધીનગર
ગાંધીનગર ભાજપા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો કોરોનાનો શિકાર બનતા ભાજપના કાર્યકરો પણ ફફડી ઉઠયા છે. ગાંધીનગર જિલ્લામાં કોરોના સંક્રમણ ઓછું નોંધાયું છે. જિલ્લામાં ૬૦૧ કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં ૧૨૮ દર્દીના ઘટાડા સાથે કોરોનાનો આંકડો ૪૭૩ નોંધાયો છે. રવિવારે ગ્રામ્યમાં ૨૦૩ તેમજ શહેરમાં ૩૯૮ કોરોના પોજીટીવ દર્દીઓ મળી આવ્યા હતા. ગ્રામ્યમાં ૧૪૮ અને શહેરમાં ૩૨૫ એમ કુલ ૪૭૩ કોરોના કેસ નોંધાયા છે. એટલે કે ૧૨૮ કેસ ઓછા નોંધાયા છે. બીજી તરફ ભાજપાના આગેવાનો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જેમાં શહેર પ્રમુખ રુચિર ભટ્ટ, જિલ્લા પ્રમુખ અનિલ પટેલ, મહામંત્રી રમણલાલ દેસાઈ, મહામંત્રી ગૌરાંગ પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેનાં પગલે શહેર અને જિલ્લા પ્રમુખે પણ સંપર્કમાં આવેલા કાર્યકરોને ક્વોરન્ટાઈન થઈને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ભાજપના આગેવાનો કોરોના સંક્રમણનો ભોગ બનતા હાલ પૂરતા વિધાનસભા ચુંટણી લક્ષી કાર્યક્રમો પણ મોકૂફ કરી દેવાયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
