ગાંધીનગર
૨ માર્ચના રોજ રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જે બાદ વિધાનસભાના સદ્દગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બજેટ સત્રના બીજા દિવસે એટલે કે ૩ માર્ચે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરશે. ૨૨ દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં અંદાજ પત્ર પર ૪ દિવસ સુધી વિધાનસભામાં ચર્ચા ચાલશે. જ્યારે રાજ્યપાલના સંબોધન પર ૩ દિવસ તેમજ પૂરક માંગણીઓ પર બે દિવસ ચર્ચા ચાલશે. અંદાજ પત્રની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે ૧૨ દિવસ સુધી ચર્ચા ચાલશે. જ્યારે સરકારી વિધેયકો પર ૪ દિવસ ચર્ચા ચાલશે. આ બજેટ સત્ર દરમિયાન ૬-૮ દિવસ બે-બે બેઠકો થશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાયદાઓમાં જરૂરિયા મુજબના સંશોધક વિધેયકો પસાર કરાવવામાં આવશે. જે બાદ ૩૧ માર્ચે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરીને બજેટ સત્રનું સમાપન કરવામાં આવશે. આ બજેટ સત્ર દરમિયાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના કારણે આ સત્ર તોફાની બને તેવી શક્યતા જાેવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, બજેટ સત્ર પૂર્વે સરકારના વિવિધ વિભાગો દ્વારા બજેટલને લગતા ખર્ચા અને નવી યોજનાઓ અંગેની વિગતો ઉપરાંત રાજ્ય સરકારના ખર્ચ અને આવકના અંદાજાે સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી ૩ માર્ચે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રથમ અને અંતિમ વખત બજેટ રજૂ કરી શકે છે, કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી આવતા વર્ષનું બજેટ નવી સરકાર રજૂ કરશે.ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ૨ માર્ચથી વર્તમાન સરકાર પોતાનું પ્રથમ બજેટ સત્ર રજૂ કરવા જઈ રહી છે. જેમાં ૩ માર્ચે બજેટ રજૂ કરવામાં આવી શકે છે.


