રાજકોટ
રસ્તાના દબાણો દૂર કરવા જતા ગરીબો રસ્તે આવી ગયા… રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા યુનિવર્સિટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલ નજીક ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત ૨૦ જેટલા મકાનોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી રોડથી રૈયારોડને જાેડતો ટીપી રોડ ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક કલનભાઇએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જેનું મકાન પાડો એને ક્વાર્ટર આપો, આપણી સરકાર કંઇ નબળી નથી. ગરીબોને શું સમજી લીધા છે તમે? કલનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મારે ૧૫ વર્ષ પહેલા ૧૩ ફૂટનું કપાત આવ્યું હતું. આજે ક્રોસમાં ૩ ફૂટનું કપાત આવ્યું છે. એક તરફ ઝીરો અને એક તરફ ત્રણ ફૂટનું કપાત આવ્યું છે. રોડ-રસ્તા નીકળે છે એ સારી વાત છે પરંતુ જેનું મકાન પડે છે તે મકાનમાલિકે ઘરમાં જે ખર્ચો કર્યો હોય તે કોર્પોરેશને આપવો જાેઇએ અથવા તેને ક્વાર્ટર મળવું જાેઇએ. આપણી સરકાર કંઇ એટલી નબળી તો નથી. ગુજરાતના મુખ્યમંત્રી એટલા નબળા નથી કે જેનું મકાન પાડ્યું હોય તેને ક્વાર્ટર ન આપી શકે. અત્યારે મકાન પાડીને જતા રહેશે તો પરિવારજનો ક્યાં જશે. જેનું મકાન પાડો છો તેને સામે મકાન આપો. ગરીબોને શું સમજી લીધા છે તમે. હું અહીં ૨૫ વર્ષથી રહું છું. ૨૫ વર્ષ પહેલા અહીં જંગલ હતું, કોર્પોરેશનની ગટર નીકળતી હતી. કોર્પોરેશનના કમિશનર મારા સાહેબ છે, ગુજરાતના મુખ્યમંત્રી મારા મુખ્યમંત્રી છે, દેશના વડાપ્રધાન મારા વડાપ્રધાન છે, પણ ગરીબોનું મકાન પાડો તો સામે મકાન આપો. યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ નજીક ૨૦ જેટલા મકાનો પાડવા અંગેની અગાઉ સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે મનપાની ટીપી શાખાની ટીમ પહોંચી હતી અને ૨૦ જેટલા મકાનોને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો.


