મુંબઈ
રણજી ટ્રોફીનું પહેલું ચરણ ૧૦ ફેબુઆરીથી ૧૫ માર્ચ સુધી રમાશે. જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ બાદ ૩૦ મેથી ૨૬ જુન સુધી બીજા ચરણમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે ગુરુવારે આ અંગે જાણકારી આપી હતી. બીસીસીઆઈના સચિવ જય શાહે જણાવ્યું હતું કે આ વખતે સૌથી નાની પ્રથમ શ્રેણીની ટુર્નામેન્ટ રહેશે. મોટા ભાગની ટીમો વધુમાં વધુ ૩ મેચ જ રમી શકશે. આ ટુર્નામેન્ટમાં ૪-૪ ટીમો આઠ એલીટ ગ્રુપમાં વહેચાઇ ગઇ છે. જ્યારે બાકીની ૬ ટીમોએ પ્લેટ ડિવિઝનમાં જગ્યા બનાવી છે. ટુર્નામેન્ટ સમયે ૬૨ દિવસોમાં ૬૪ મેચ રમાસે. પહેલા ચરણમાં ૫૭ મેચ રમાશે. બીજા ચરણમાં સાત નોકઆઉટ મેચ રમાશે. જેમાં ચાર ક્વાર્ટર ફાઇનલ, બે સેમિ ફાઇનલ અને ફાઇનલ રહેશે. એલીટ ગ્રુપની મેચ રાજકોટ, કટક, ચેન્નઈ, અમદાવાદ, ત્રિવેંદ્રમ, દિલ્હી, હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે. પ્લેટ લીગ મેચ કોલકાતામાં રમાશે. આ પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ રણજી ટ્રોફીને લઇને એક મહત્વપુર્ણ નિવેદન આપ્યું હતું. સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે રણજી ટ્રોફી ભારતમાં સૌથી મહત્વની સ્થાનિક ટુર્નામેન્ટ છે અને બોર્ડ તેનું આયોજન કરાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર ટીમે રણજી ટ્રોફીની અંતિમ સિઝન ૨૦૧૯-૨૦નું ટાઇટલ જીત્યું હતું.
