Gujarat

સરકારી રેલ્વેના પાટા ચોરી તેને વેચતી દાહોદની ટોળકી ઝડપાઈ

 

દાહોદ
દાહોદ શહેરમાં રેલવેનું કારખાનુ અને રેલવેની મુખ્ય લાઇન અહીંથી પસાર થતી હોવાથી ઠેર-ઠેર રેલવેના પાટા-સ્લીપાટ સહિતનો લોખંડનો કિમતી સામાન ખુલ્લામાં પડ્યો રહે છે. ત્યારે આ સામાનની ચોરીનો મનસુબો રચીને દાહોદ અને ડુંગરપુર ગામેથી ત્રણ વખતમાં પાટા અને સ્લીપાટોનો ચોરી કરી ૨૬ રૂપિયે કિલોના ભાવે વેચ્યા હતાં. એલસીબી અને આરપીએફના સંયુક્ત ઓપરેશનમાં ટોળકીના ૪ની ધરપકડ કરાઇ હતી. દાહોદમાં એલસીબી પી.આઇ બી.ડી. શાહ, પીએસઆઇ એમ. એમ. માળી અને સ્ટાફ જુદી – જુદી ટીમો બનાવી ચોરીમાં સંડોવાયેલી ગેંગોના આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતા. દરમિયાન દાહોદ શહેરના પરેલ, મેડીકલ કોલોનીમા રહેતા દિપક ઉર્ફે ગોલુ મોહનભાઇ બિલવાળ અને રતનભાઇ દલસિગભાઇ મેડા રેલવેના પાટાની ચોરી કરતા હોવાની બાતમી પી.આઇ બી.ડી શાહને મળી હતી. જેથી દાહોદ આરપીએફ ઇન્સપેક્ટર જી.એસ ગૌતમ તથા આરપીએફના સ્ટાફને સાથે રાખી બંનેને પકડ્યા હતાં. દોઢેક માસ અગાઉ પરેલ મેડીકલ કોલોની નજીકથી ૧૪થી ૧૫ સ્લીપાટ ચોર્યા હતા. જે મહેસાણાના સુઢીયાના અને હાલ મેડિકલ કોલોનીમાં રહેતાં કનુ ઠાકોરના ટ્રેક્ટરમાં ભરીને ઇન્દૌરના ચંદાનગરના અને હાલ મારવાડી ચાલીનાં શુભમ મહંતને રૂા.૨૬ કિલોના ભાવે વેચ્યા બાદ ફોરેસ્ટના ઘાસ ગોડાઉનની નજીકમા રાત્રીના લોખંડના ૯ પાટાની ચોરી બાદ ૫ દિવસ અગાઉ ડુંગરપુર ગામે ટ્રેકની નજીકમા પડેલા પાટાની પણ ચોરીની કબૂલાત કરી હતી. એલસીબી અને આરપીએફે શુભમે સંતાડેલા રૂા.૯૪૭૬૦ના ૩૦૨૦ કિલો વજનના લોખંડના પાટા અને સ્લીપાટના ૧૦૮ ટુકડા જપ્ત કર્યા હતાં. સ્લીપાટ-પાટા, ૪ મોબાઇલ અને ટ્રેક્ટર, એક મોપેડ મળીને ૬,૭૪,૭૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા મજુર તરીકે કામ કરનારા લોકોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડાની સુચના અને દાહોદ એસ.પી હિતેશ જાેયસરના માર્ગદર્શનમાં છેલ્લા એક માસમાં એલસીબી અને સબંધિત પોલીસ મથકોમાં ચોરી અને લુંટના નોંધાયેલા ગુના ડિટેક્ટ કરવામાં મોટી સફળતા મળી છે. જેમાં ચોરી અને લુંટમાં ગયેલો ૫૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. લીમખેડાની ચોરી, બારિયાની ધાડ અને દાહોદ ચોરીનો સમાવેશ થાય છે. એક માસમાં ૫૦ લાખ રૂપિયાના મુદ્દામાલની રિકવરી જિલ્લા પોલીસ માટે મોટી ઉપલબ્ધિ મનાઇ રહી છે.

Dahod-railway-iron-plant-thief.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *