સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ વાત આજે સાબિત થઈ જ્યારે એક ખૂબ જ વૃદ્ધ દેખાતા ગ્રામીણ માજી શ્રી લાભુબેન ગોવિંદભાઈ ઠુંમર તેમના સગા સંબંધીઓ સાથે આપણા સાવરકુંડલા શહેરનાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આવ્યા અને તેમના આખા જીવનની બચત ૪૨ લાખ એમણે હોસ્પિટલને દાન તરીકે આપી દીધી. શ્રી લાભુબેને જણાવ્યું હતું કે, તેઓના કોઈ વારસદાર ન હોવાથી તેઓ એકલા જ રહે છે. લાભુબેને સંકલ્પ કર્યો છે કે તેમની પાસે જે કંઈ પણ હતું તે વેંચતા જે રકમ મળી છે તેઓ આ રકમને આરોગ્ય મંદિરના યજ્ઞ કર્મ માટે ઉપયોગ કરશે. આ પ્રસંગ બન્યો એ અમારા માટે એક અનન્ય અનુભૂતિ હતી અને આભાર વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નહોતા. આવા અનુભવો આપણને પ્રતીતિ કરાવે છે કે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે ખરેખર ઈશ્વરનું કાર્ય છે અને આ રીતે ઈશ્વર આપણને મદદ કરતા રહે છે. જેથી કરીને આપણે જરૂરિયાતમંદોને મદદ કરવાનું ચાલુ રાખી શકીએ. તેમના અનુદાન બદલ શ્રી લાભુબેનનો પણ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં ટ્રસ્ટી ગણે આભાર માની હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરેલ.
આવો જ બીજો પ્રસંગ પણ અહીં સાવરકુંડલા શહેરનાં પ્રતિષ્ઠિત અગ્રણી કાણકિયા ચા વાળા પરિવાર તરફથી પણ રૂપિયા ૧૧ લાખ જેવી માતબર અનુદાન રાશિ પ્રાપ્ત થતાં હવે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની ખાસ્સી નોંધ લેવામાં આવી રહી છે. અને આમ પણ જ્યોત સે જ્યોત જલે ઔર પ્રેમ કી ગંગા ભી અવિરત બહે એવાં પોઝીટીવ વાઈબ્રેશન સમગ્ર લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં અવિરત વહી રહ્યાં હોય ઈશ્ર્વરીય કૃપા પણ અવિરત આ સંસ્થા પર વરસતી રહે છે. આમ પણ દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આ સંસ્થા જરાપણ કચાશ રાખતી નથી અહીં દર્દીનારાયણ સ્વરૂપ સમજી કોઈ પણ પ્રકારનાં વર્ગભેદ, વર્ણભેદ કે અમીર ગરીબ ના ભેદ વગર સર્વ એક સમાન ગણી સમભાવ અને સેવાભાવ જાણે આ સંસ્થાના ગળથૂંથીમાં વણાયેલ હોય અહીં આ સંસ્થાની મુલાકાત લેતાં મોટાભાગના સમાજશ્રેષ્ઠીઓ આ સેવા યજ્ઞમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપતાં જોવા મળે છે. સંસ્થા પણ દિનપ્રતિદિન તેની તબીબી સેવાનો વ્યાપ વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ખાસકરીને સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા અને અન્ય ટ્રસ્ટી ગણ લલ્લુભાઈ શેઠનાં આદર્શોને ચરિતાર્થ કરતાં જોવા મળે છે. અહીં સ્થાનિક કક્ષાએ સંસ્થાના સહમંત્રી તરીકે સેવા આપતાં શ્રી ભરતભાઈ જોષી પણ આ સંસ્થાનાં સુચારું સંચાલન માટે સતત પ્રયત્નશીલ રહે છે આમ જોવા જઈએ તો આ તમામ ટ્રસ્ટી ગણ તથા કર્મચારીગણ પોતાના ઘરની જેમ પોતિકાપણાનાં ભાવથી અહીં પોતાની ફરજ બજાવતાં જોવા મળે છે.
દેશ વિદેશમાં વસતાં લોકોએ એક વખત તો આ સંસ્થાની ઉડતી મુલાકાત તો લેવા જેવી ખરી.. આમ પણ આપેલાં અનુદાનનો સર્વશ્રેષ્ઠ સદુપયોગ થાય તે આ સંસ્થાનો મુદ્રાલેખ ગણીએ તો પણ ચાલે.


