નવસારી
નવસારી ખાણ ખનિજ વિભાગે વિરાવળની પૂર્ણા નદીમાં બંદર ઉપર ચાલતા ગેરકાયદે રેતીખનન કામગીરી પર તા.૬-૧૨-૨૧ નાં રોજ છાપો માર્યો હતો. જેમાં એક ખાલી નાવડી, ખાલી ટ્રક, ટાયર જેસીબી મશીન કબજે કર્યું હતું. તેને કાલીયાવાડી સ્થિત કલેકટર કચેરીનાં કમ્પાઉન્ડમાં મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન માઈન્સ સુપરવાઈઝર ચિંતન લંગાળીયાની બદલી થઈ હતી. તેની જગ્યા પર નવા આવેલા કમલેશ આલે તા.૨૨-૧-૨૨નાં રોજ સીઝ સામાનનું ચેકીંગ કર્યું હતું. જેમાં રૂ.૫૦-૫૦ હજાર દંડ વસુલ કરી બે ટ્રકોને વિભાગે છોડ્યા હતા. પરંતુ રેડ પાડવામાં આવેલી જગ્યા પર પાણી ભરાયેલા હોવાથી કેટલી ખનિજચોરી થઈ છે? તેની માપણી થઈ શકી ન હોવાથી નોટિસ આપવાની બાકી હતી. જેને લઈ નાવડી અને જેસીબી મશીન વિભાગનાં કબજામાં હતા. આ દરમિયાન તા.૫-૨-૨૨નાં રોજ જેસીબીનાં માલિક મનહર નગીનભાઈ ઓડ પોતાના ડ્રાઈવર સાથે આવીને ડુપ્લીકેટ ચાવીથી જેસીબી મશીન સરકારી કબજામાંથી ગેરકાયદેસર રીતે હંકારી લઈ ગયા હતા. જે અંગે પૂછતા તેણે કહ્યું કે કોઈને જાણ કર્યા વિના જેસીબી મારી મરજીથી લઈ આવ્યો છું! સરકારી કસ્ટડીમાંથી કોઈ જાણ વિના મનહર ઓડ જેસીબી મશીન કિ.રૂ.૨૫ લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નવસારી ખાણખનિજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર કમલેશ આલે રૂરલ પોલીસમાં નોંધાવી છે. પોલીસે આરોપી મનહર નગીનભાઈ ઓડ અને તેના અજાણ્યા ડ્રાયવર વિરૂદ્ધ મશીન ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


