વડોદરા
વુડા કચેરીમાં નગર નિયોજક વિભાગમાં ફરજ બજાવતાં મહિલા અધિકારીએ કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આર્કિટેક્ટ કિરીટ અંબાલાલ પટેલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને તેમનું કામ વિકાસ પરવાનગી મેળવવાનું છે. તેઓ એન્જિનિયર ઓનરેકર્ડ તરીકે વુડામાં લાયસન્સ ધરાવે છે. કિરીટ પટેલે ભાયલીની જમીનમાં ડેવલપમેન્ટ ચાર્જ વસૂલવાની અરજી કરી નકશા રજૂ કર્યા હતા. જેમાં અડધી જમીનમાં મેળવેલી પરવાનગીનો નંબર નકશામાં લખી રજૂ કરી હતી, જે અનુસાર અગાઉ મેળવેલી બાંધકામ પરવાનગી પરત્વે નિયમાનુસાર ફી વસૂલવાની થાય છે પણ તેમાં બાંધકામ ક્ષેત્રફળની વિગતો રજુ કરી ન હતી. અરજીમાં વિકાસ ચાર્જની રકમ પણ લખી હોવાથી તેમની પાસે આધાર-પુરાવા માગતા રજૂ કર્યા ન હતા અને બુમાબુમ કરી હતી. પ્રવર નગર નિયોજક પાસે જઇ આઇએએસ અશોક પટેલ પાસે ગયા હતા અને ત્યાં પણ તેમણે ઉદ્ધતાઇપૂર્વકનંખ વર્તન કર્યું હતું. આઇએએસ અધિકારીએ પણ તેમને પુરાવા રજુ કરવા જણાવ્યું હતું.ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા પણ ત્યાર બાદ ૭ ફેબ્રુઆરીએ તેઓ ફરજ પર આવ્યા ત્યારે કિરીટ અંબાલાલ પટેલ ફરીથી ઓફિસે આવ્યા હતા, તેમની પાસે ફાઇલ માંગતા તેમણે પ્રવર નગર નિયોજકને મળવા જણાવ્યું હતું જેથી ત્યારબાદ તેમને ત્યાં બોલાવાતા કિરીટ પટેલ પણ ત્યાં બેઠેલા હતા અને પ્રવર નગર નિયોજક મહેશ પટેલે તેમની પાસે ચલણ માગતા તેમણે ચકાસણી બાકી છે. હજું ૨૦થી ૨૫ મિનીટ થશે તેમ કહેતા કિરીટ પટેલ ઉશ્કેરાયા હતા અને ગાળાગાળી કરી સરકારી કામકાજમાં રુકાવટ કરી હતી તથા ધમકી આપી હતી કે તું આ ઓફીસમાં કેવી રીતે કામ કરે છે હું તને જાેઇ લઇશ. જેથી મહિલા અધિકારી ગભરાયા હતા અને તેમણે ઉપરી અધિકારીને લેખિતમાં જાણ કરી હતી. ઓફિસમાંથી મંજૂરી મળતાં ફરિયાદ નોંધાવી હતી. કારેલીબાગ પોલીસે આ મામલે મોડી રાત્રે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જ્યારે આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયર્સ એસો.ના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, અમે આવેદનપત્ર આપ્યું હતું તેની સામે ભ્રષ્ટાચારીઓએ મારા વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે, વાસ્તવમાં આવું કાઈ નથી. આગામી સમયમાં આ તમામ કૌભાંડીઓના કૌભાંડ બહાર આવશે એ ચોક્કસ વાત છે. મહિલાએ પોલીસમાં જણાવ્યું કે, કિરીટ પટેલે ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરી આપી હતી. જેથી તે બાબતે તેમની સાથે બોલાચાલી કરીને ૭ ફેબ્રુઆરીએ વુડા કચેરીમાં આવી ગાળાગાળી કરી હતી અને જાેઇ લેવાની ધમકી આપી સરકારી કામકાજમાં રુકાવટ ઉભી કરી હતી. સામાજિક કાર્યકર શોભના રાવલે જણાવ્યું કે કિરીટ પટેલ નામના આર્કિટેક્ટ મહિલા અધિકારીની ઓફીસે ગયા હતા અને ડોક્યુમેન્ટ બાબતે ઝઘડો કરી ગાળાગાળી કરી અભદ્ર વ્યવહાર કર્યો હતો. જેથી મહિલા અધિકારીએ વુડાના ઉપરી અધિકારીને જાણ કરી પોલીસમાં ફરિયાદ કરી છે.
