વડોદરા
વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ફીમાં વધારા અને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે અને વડોદરા બહારથી આવતા વિદ્યાર્થીઓને હજુ પણ હોસ્ટેલમાં રહેવાની સગવડ નથી. આ ઉપરાંત ૧૦ માર્ચથી આંતરિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ આવાસ શોધી રહ્યા છે. ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટી ખાતે ડીન ઓફિસની બહાર એકઠા થયા હતા અને હોસ્ટેલ ફીમાં વધારો અને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવાની સુવિધા ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ મેનેજમેન્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા અને વડોદરા બહારના વિદ્યાર્થીઓ માટે આવાસની માગણી કરી હતી. તેઓએ હોસ્ટેલ ફીમાં પણ ઘટાડો કરવાની માગણી કરી હતી. તા. ૨૧મી ફેબ્રુઆરીથી ફેકલ્ટીમાં ક્લાસ ઓફલાઈન શરૂ થઈ ગયા છે પરંતુ વડોદરા બહારથી આવતા વિદ્યાર્થીઓને હજુ પણ હોસ્ટેલમાં રહેવાની સુવિધા મળી રહી નથી. બીજુ યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલની ફીમાં વધારો કરવામાં આવે છે જે પીજી આવાસ કરતા વધારે છે. ૧૦ માર્ચથી ઈન્ટરનલ પરીક્ષા શરૂ થઈ રહી છે. આવાસ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. અમે ડીન પ્રોફેસર સીએન મૂર્તિને મેમોરેન્ડમ આપીએ છીએ અને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ આવાસ અને છાત્રાલયની ફીમાં ઘટાડો કરવાની માગણી કરીએ છીએ. વડોદરા બહારથી આવતા તેમના સાથીદારોને હોસ્ટેલમાં રહેવાની સગવડ ન મળવાને કારણે મુશ્કેલી પડે છે. અમે મેનેજમેન્ટને આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરીએ છીએ. અન્યથા અમારું આંદોલન ચાલુ રાખીશું.


