નડિયાદ
મહુધા તાલુકાના ફલોલી ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમા વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ દરમિયાન ગામના સુધીર પુંજાભાઇ ચૌહાણ મંત્રી તરીકેની ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓએ મંડળીના વહીવટના નાણાંની ગોલમાલ આચરી હતી. સુધીર ચૌહાણે અલગ અલગ રીતે મંડળીના કુલ્લે રૂપિયા ૫ લાખ ૨૨ હજાર ૩૯૩ની હંગામી ઉચાપત આચરી હતી. ૨૦૧૯ના એપ્રીલ માસમાં ઓડિટ થતાં આ સમગ્ર ઉચાપતનો કૌભાંડ બહાર આવ્યું હતું. આ ઓડીટ વર્ષ ૨૦૨૧મા પૂર્ણ થયું હતું. જેમા ઉપરોક્ત રકમ પૈકી ૫ લાખ ૭ હજાર ૭૨૩ની હંગામી તથા ૧૪ હજાર ૬૭૦ની કાયમી ઉચાપતનો પર્દાફાશ થયો હતો. માજી મંત્રી સામે ફોજદારી કાર્યવાહી કરવા પગલા ભરવા આદેશ થતાં ગતરોજ આ મામલે દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન બાબુભાઈ વજેસિંહ સોઢા પરમારે ઉચાપત આચરનાર માજી મંત્રી સુધીર પુંજાભાઇ ચૌહાણ સામે મહુધા પોલીસમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૮ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લાના મહુધા પંથકના ફલોલી ગામે ઉચાપતના બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી મંત્રીએ પોતાના હોદ્દા પર રહીને લાખોની ગોલમાલ આચરતાં ચકચાર જાગી છે. સમગ્ર મામલો ઓડિટ દરમ્યાન બહાર આવતા આ સંદર્ભે હાલના ચેરમેને ઉચાપત આચરનાર માજી મંત્રી સામે મહુધા પોલીસમા ફરિયાદ આપતા પોલીસે ઉચાપત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


