Gujarat

લીંબડીના રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં ચોરી થઈ

લીંબડી
’લીંબડી સ્ટેટના રાજવી પરિવારના દિગ ભવન પેલેસમાં તા. ૧૬થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન એન્ટિક તથા ૫૬ કિલો ચાંદીની વસ્તુઓની ચોરી થઈ છે. મહેલમાં કામ કરતા બહેને તૂટેલી બારી જાેઈને કશું બન્યું હોવાનું લીંબડી સ્ટેટ જયદીપસિંહ ઝાલાને જણાવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પાસે બારીની લોખંડની જાળી તીક્ષ્ણ હથિયાર વડે કાપીને ચોર ટોળકી મહેલમાં દાખલ થઈ હતી. તસ્કરોએ પેલેસના પ્રથમ અને બીજા માળે દસેક જેટલા સ્ટોર રૂમનાં તાળાં તોડી નાંખ્યાં હતાં. બીજા માળે સ્ટોર રૂમમાં પતરાની ૪ પેટીમાંથી ૫૬ કિલો ૧૫૦ ગ્રામ ચાંદીની ૪૫ વસ્તુની ચોરી કરી હતી. ઉપરાંત રાજમાતા સાહેબના સમયના ૨ રેડિયો, હાર્મોનિયમ અને બેન્જાે જેવી એન્ટિક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કર ટોળકી ભાગી છૂટી હતી. જયદીપસિંહજી બાપુના નાનાએ તેમનાં બહેનને આપેલી શુદ્ધ ચાંદીની ફુલદાની, ચુસ્કી, જારી, ટ્રે, હેફ ગ્લાસ, પ્યાલા, કટોરી, વાઈનકપ, ફોટોફ્રેમ, પલંગ પાયા સહિતની એન્ટિક વસ્તુઓ સાથે જ સદ્દગત ઠાકોરસાહેબ જસવંતસિંહજી બાપુની પિતળની પગ પાદુકાઓ અને રાજમાતાની એન્ટિક વસ્તુઓની ચોરી થઈ હતી. લીંબડી સ્ટેટની સ્કૂલનું સંચાલન કરતા નટુભા ઝાલાએ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપી સી. પી. મુંધવાની સૂચનાને ધ્યાનમાં રાખીને પીએસઆઈ વી. એન. ચૌધરી ટીમ ડોગ સ્ક્વોર્ડ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ચોરી એક રાતમાં થઈ હોય તે શક્ય નથી. તસ્કરો ૩થી ૪ રાત્રે ચોરી કરી હશે. પેલેસમાં આવતી-જતી કોઈ જાણભેદુ વ્યક્તિ સંડોવાયેલી હોઈ શકે. કારણ કે ટોળકી મહેલમાં દાખલ થઈ, બહાર નીકળી તે મહેલના એક પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ નથી. રાજશાહી વખતની શુદ્ધ ચાંદી કે એન્ટિક વસ્તુ અમૂલ્ય હોય છે. રજવાડા વખતની ચાંદીની કિંમત આંકવી મુશ્કેલ છે પરંતુ ૧ માર્ચે ૧ કિલો ચાંદીનો ભાવ રૂ.૬૫,૫૦૦ છે. જેટલા કિલો ચાંદીની ચોરી થઈ છે તેની આજની તારીખે ૩૬ લાખથી વધુ કિંમત થાય. ચોર ટોળકી મહેલની પાછળના ભાગથી પ્રવેશી હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગે છે. એફએસએલ ટીમની પણ મદદ લેવાશે. પેલેસમાં કામ કરતા જૂના અને નવા સ્ટાફની પુછપરછ કરવામાં આવશે. સુરેન્દ્રનગર સહિત અન્ય જિલ્લામાં રાજ મહેલમાં થયેલી ચોરીની ઘટનામાં સામેલ શખ્સો પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *