વેરાવળ
વેરાવળ તાલુકાના સિડોકર ખાતે મુફ્તી હનીફ માંગરોલી દ્વારા સંચાલિત જામીઅહ તાલિમુદ્દીન મદરેસાનો વાર્ષિક ઉત્સવ અને સમૂહ શાદી યોજાઈ હતી. જેમાં ગુજરાતના પ્રખ્યાત મુસ્લિમ મૌલાના મુફ્તી હનીફ લુહારવી અને સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ ચાંપરડાવાળાએ હાજરી આપી હતી. તેમજ દેશમાં ફેલાતા નફરતી વાતાવરણને પ્રેમ અને ભાઈચારામાં ફેરવવા હિન્દુ-મુસ્લિમને સમાજને અપીલ કરી હતી. આ વાર્ષિકોત્સવમાં ૩૨ લોકોએ આલીમ, ૧૭ લોકોએ હાફીઝે કુરઆન અને ૩૮ લોકોએ કારી કોર્સ પૂર્ણ કરતા તેમને મહેમાનો દ્વારા સન્માનિત કરી ડિગ્રી એનાયત કરાઈ હતી. જ્યારે સમૂહ શાદીમાં ભાગ લેનાર નવયુગલોને રૂ. ૩૫ હજારનો કરિયાવર આપવામાં આવ્યો હતો. આ અવસરે મૌલાના મુફ્તી હનીફ લુહારવીએ સંસ્થાની વિવિધ કામગીરીને બિરદાવી કોમી એકતા અને દેશમાં નફરતના વાતાવરણને પ્રેમમાં ફેરવવા સર્વ ધર્મનું આદર-સન્માન જાળવવવા અપીલ કરી હતી. મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રેસિડેન્ટ મુક્તાનંદબાપુએ દેશના નફરતના, ભયના વાતાવરણમાં નફરતને પ્રેમમાં ફેરવવા રાષ્ટ્રપ્રેમ, સદભાવના, બંધારણનું પાલન, રાષ્ટ્ર ભાવના સાથે હળી મળીને રહેવા તેમજ દરેક ધર્મનો આદર રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જામીઆના વિદ્યાર્થીઓએ તિલાવત, નાત અને તકરીરો કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે માંગરોળ પાલિકા પ્રમુખ મો. હુશેન ઝાલા, પીએસઆઈ રામ, રામકૃષ્ણ સંન્યાસ આશ્રમ પ્રમુખ અને રાજુભાઇ ડાભી, ટાંકભાઈ, પાટણ સોમનાથ પીએસઆઇ બોદું તેમજ દુબઇથી હાજી અ. લતીફ મક્લાઈ, હાજી અ. રઝાક, હાજી યુનુસ, હાજી ફારૂક, શેઠ મલાઈ અને હાજી ઇસ્માઇલ અલાના સાહબ તેમજ અમેરિકાથી હાજી અબ્બાસ, હાજી મુહમ્મદ, કેનેડાથી હાજી ઇબ્રાહિમ, યુ.કેથી મૌલાના ઇકબાલ સાહબ, હાજી અ. સત્તાર અને સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો હાજર રહ્યા હતા.


