સુરત
સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેરના કેઝ્યુલિટી વિભાગની બહાર આ ઘટના બની હતી. જેમાં એક ડોક્ટર કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસબારી અને ત્યાંથી પહેલા માળ સુધી અડધો કલાક દોડી રહ્યો હતો. જાેકે, આશ્ચર્ય વચ્ચે સિનિયર ડોક્ટરે આને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવ્યું હતું. કોલેજના ડીન ડો દીપક હોવલેએ કહ્યું હતું કે આ ખોટું છે. આ મામલે ઈન્કવાયરી કરાશે. સ્મીમેર હોસ્પિટલમાં દોડતાં એક રેસિડેન્ટ ડોક્ટરને જાેઈ આવતાં-જતાં લોકો આશ્રર્યમાં પડી ગયા હતા. દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગની બહાર એટીએમ સામે બાંકડા પર બેસેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે આવતો હતો અને ફરી દોડવા માંડતો હતો. જે પ્રક્રિયા અડધો કલાક જેવી ચાલી હતી. દોડતાં રેસિડેન્ટ ડોક્ટરને હાંફ પણ ચડી ગયો હતો અને પરસેવાથી રેબઝેબ પણ થઈ ગયો હતો. વાઈરલ થયેલા વીડિયોને જાેઈને અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટરને સારવાર માટે આવેલા દર્દી, તેમના સંબંધી તેમજ સ્ટાફ સામે અપમાનિત કરી રહ્યા હતા. આર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરતા હતા. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ રીતની સજા કરનાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો. જ્યારે બીજી તરફ સ્મીમેરના આ ત્રણ સિનિયર ડોક્ટરોએ બે જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કર્યું હોવાની ચર્ચાએ જાેર પકડ્યું હોવાથી સ્મીમેર ખાતે ચકચાર મચી ગઈ હતી.સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેરમાં રેગિંગની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે ૨ જુનિયરને અડધો કલાક દોડાવ્યા હતા. આ અંગેનો વીડિયો ડીન અને એચઓડીએ જાેતાં તપાસ શરૂ કરી હતી. બીજીતરફ સિનિયર રેસિડન્ટ ડોક્ટરે ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.
