સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
આગામી દિવસોમાં મોંઘવારી એક મહત્ત્વનો મુદ્દો બની શકે છે. સાવરકુંડલા શહેરનાં પ્રબુદ્ધ નાગરિકો પણ હવે સ્વીકારતા થયાં છે કે સરકારે મોંઘવારીને નિયંત્રણમાં લેવા ખૂબ કડક પગલાં લેવા જોઈએ. પેટ્રોલ, ડીઝલ, ગેસ, કઠોળ, અનાજ, શાકભાજી, ખાદ્ય તેલ, દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતોવાળી જીવનજરૂરી વસ્તુઓના કૂદકે ને ભૂસકે વધી રહેલાં ભાવો આગામી ચૂંટણીમાં પ્રભાવક પરિબળ બની શકે છે. જો કે સાવરકુંડલા શહેરમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની સૂચના મુજબ આ વધીને આસમાને પહોંચેલ મોંઘવારીના ભસ્માસુર નો વિરોધ વ્યક્ત કરવા આવતીકાલે ગુરૂવારે સાવરકુંડલા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમ રાખવામાં આવેલ છે એવું સાંભળવા મળી રહ્યું છે . પરંતુ માત્ર પ્રતિકાત્મક વિરોધ એ પણ આ વધતી જતી મોંઘવારીને નાથવા માટે પર્યાપ્ત નથી.. મોંઘવારી જેવા ભસ્માસુરે શહેરની આમજનતાની કેડ ભાંગી નાખી છે. લોકોને જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે એવી વેળાએ મોંઘવારી પ્રત્યે લોકોનો આક્રોશ પણ ચરમસીમાએ હોય એમાં નવાઈ જેવું કશું નથી.. આમ તો મોંઘવારી સત્તાધારી પક્ષ કે વિપક્ષ બંનેને સ્પર્શતો સળગતો મુદ્દો છે.. કદાચ આવતી વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો પણ વ્યાપક જોર પકડે અને સત્તાધારી પક્ષને નુકસાન પણ ઉઠાવવું પડે એવી પણ લોકમુખે ચર્ચા થઈ રહી છે.
