અમદાવાદ
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસઆરપીએફ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨, હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ અને એસઆરપી કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે.એલઆરડીની લેખિત પરીક્ષા ૭ જિલ્લાના ૯૫૪ કેન્દ્રો પરથી લેવામાં આવશે. ૨.૯૫ લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જાેકે, તે પૈકી ૧૮૭૫ ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે. અગાઉ ઘણી સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા છે, એવામાં આ પરીક્ષામાં પેપર ફૂટવા કે ગેરરીતિ થવાની ઘટના ન બને તે માટે હવે એનએસયુઆઈની ટીમ પરીક્ષા કેન્દ્રો પર પહેરો આપશે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શનમાં રાજ્યમાં પરીક્ષા યોજાવાની છે તે ૭ જિલ્લાના દરેક કેન્દ્રોની ચુસ્ત સુરક્ષા માટે શહેર દીઠ એનએસયુઆના વિદ્યાર્થી કાર્યકરોની ટીમો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ થવા પર ઉમેદવારો આ નંબર પર સંપર્ક કરી શકશે. ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ-અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’ એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે. તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જાેડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.
