અમદાવાદ
બાપુનગર પોલીસે દારૂના ગુનામાં પકડેલા ભાઇને છોડાવવા ગયેલી મહિલા એડવોકેટની પોલીસ સાથે ઝપાઝપીના ગુનામાં ધરપકડ કરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેના કારણે રોષે ભરાયેલા વકીલોએ પોલીસનો હુરિયો બોલાવતા સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી. આથી મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલના રક્ષણ માટે ડીસીપી, એસીપી, પીઆઇ સહિત ૧૦ પોલીસ સ્ટેશનનો કાફલો મેટ્રો કોર્ટમાં ખડકવામાં આવ્યો હતો. પોલીસે મહિલા એડવોકેટ સામે કરેલા વર્તનના વિરોધમાં વકીલો રોષે ભરાતા કોર્ટ નં.૧૪ની ઓફિસમાં મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને ૨.૩૨ કલાક સુધી પુરાઇ રહેવું પડ્યું હતું. મામલો થાળે પડતાં પોલીસ બંદોબસ્ત સાથે મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને લઇ જવાયા હતા.અમદાવાદની ઘી કાંટા કોર્ટમાં વકીલો તથા પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો વિવાદ વધુ વકર્યો છે. ગત માર્ચ મહિનામાં ઘીકાંટા કોર્ટમાં એક મહિલાને કોર્ટ સમક્ષ રજૂ કરતાં સમયે પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અરજદાર મહિલા એડવોકેટે તેની સાથે પોલીસે કરેલ ગેરવર્તન અંગે કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરી છે. અરજદાર મહિલાએ એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટે આરોપી સાથે પોલીસે કેવી રીતે વર્તન કરવું તે અંગેના નિર્દેશોનું ઉલ્લંઘન થયું હોવાની રજૂઆત કરી છે. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ટકોર કરી હતી કે, ‘શા માટે પોલીસ અધિકારીઓ વકીલો સાથે આ પ્રકારે વર્તન કરે છે? આ કિસ્સામાં અરજદાર મહિલા એડવોકેટ તેના ભાઈની પોલીસે ધરપકડ કરતા પોલીસ સ્ટેશન ગયા હતા. જેથી અરજદારના વકીલને હાઈકોર્ટે સવાલ પૂછ્યો ‘કે શા માટે વકીલો પોલીસ સ્ટેશન જાય છે? આ મામલે હાઇકોર્ટે પીઆઈ, પીએસઆઈ સહિત ૨ પોલીસ કોન્સ્ટેબલને નોટિસ ફટકારી છે. ‘અરજદારના ભાઈની પ્રોહીબિશનના કેસમાં પોલીસે ધરપકડ કરી હતી. જેથી તેમને પોલીસ સ્ટેશન જવાની જરૂર પડી હતી. આ મામલે પી.આઈ ગઢવી, પીએસઆઈ સહિત ૪ લોકોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે એ પણ ટકોર કરી કે છે કે, શા માટે અધિકારીઓ વકીલો સાથે આ પ્રકારે વર્તે છે.આ મામલે વધુ સુનાવણી ૧૪મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
