ન્યૂયોર્ક
અમેરિકાના ન્યૂયોર્કમાં મેટ્રો સ્ટેશન પર અંધાધૂંધ ફાયરિંગ કરીને ૧૬ થી વધુ લોકોને ઘાયલ કરનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ૬૨ વર્ષીય આરોપીનું નામ ફ્રેન્ક જેમ્સ છે. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કર્યા બાદ જેમ્સને મેનહટનના ઈસ્ટ વિલેજમાંથી પોલીસે પકડી પડ્યો હતો. પોલીસે આ ઘટનાને આતંકવાદ સાથે જાેડવાની વાતને નકારી કાઢી છે. આરોપીને પકડવા માટે અમેરિકાની સ્થાનિક અને કેન્દ્રીય પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. પોલીસે હુમલાખોર પર ૫૦ હજાર ડોલર એટલે કે લગભગ ૩૮ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. પોલીસે જાહેર નોટિસ જારી કરીને કહ્યું હતું કે જાે કોઈ આ હુમલાખોરની ધરપકડ માટે માહિતી આપશે તો તેને ઇં૫૦,૦૦૦ સુધીનું ઈનામ આપવામાં આવશે. ૧૨ એપ્રિલ ના રોજ ન્યૂયોર્ક બ્રુકલિન સબવે સ્ટેશન પર આ ફાયરિંગની ઘટના સામે આવી હતી. ફાયરિંગમાં ૧૬થી વધુ લોકો ઘાયલ થયા છે. ૫ લોકોને ગોળી વાગી હતી, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. આ ઘટનામાં ફાયરિંગ બાદ નાસભાગને કારણે લગભગ ૧૩ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ પહેલા પોલીસે જેમ્સનું લોકેશન ટ્રેક કર્યું હતું. આ માટે મેટ્રોની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. જેમ્સની બહેન કેથરિન જેમ્સે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે ભાઈને શંકાસ્પદ તરીકે જાેઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. કેથરિને કહ્યું કે મને નથી લાગતું કે મારો ભાઈ આવું કંઈ કરશે. ન્યૂયોર્ક પોલીસે કહ્યું હતું કે બ્રુકલિનમાં એક ખાલી વાન મળી આવી હતી. આ વેન જેમ્સે ફિલાડેલ્ફિયામાં ભાડે લીધી હતી. આ સાથે વાનમાં ૯ એમએમની સેમી ઓટોમેટિક હેન્ડગન અને ગેસ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા. જાે કે આ હથિયાર તેને ક્યાંથી મળ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
