ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના ૧૦૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં યુપીમાં ૧૧૫ નવા કેસ નોંધાયા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને ૬૯૫ થઈ ગઈ છે. જાન્યુઆરી મહિના પછી આ પહેલીવાર છે જ્યારે રાજ્યમાં કોરોનાના આટલા કેસો જાેવા મળી રહ્યા છે. મોટાભાગના કેસ માત્ર દિલ્હીને અડીને આવેલા નોઈડા અને ગાઝિયાબાદમાં જાેવા મળી રહ્યા છે. યુપીના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં નોઈડામાં ૬૫, ગાઝિયાબાદમાં ૨૦ અને લખનૌમાં ૧૦ કોરોનાના નવા કેસ નોંધાયા છે.ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા રાજ્યના કેટલાક શહેરોમાં ફરી એકવાર માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. સી એમ યોગી આદિત્યનાથે દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, મેરઠ, હાપુડ, બાગપત, બુલંદશહર સહિત લખનૌમાં માસ્ક ફરજિયાત બનાવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી યુપીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારબાદ રાજ્ય સરકારે સાવચેતીના પગલા તરીકે આ ર્નિણય લીધો છે. આ પહેલા પણ સીએમ યોગીએ એનસીઆર અને તેની આસપાસના જિલ્લાઓમાં વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી હતી. જે બાદ હવે નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, હાપુડ, મેરઠ, બુલંદશહેર અને બાગપતમાં ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. આ સાથે, સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે કે આ જિલ્લાઓમાં જેમને રસી આપવામાં આવી નથી તેઓને વહેલી તકે ઓળખવામાં આવે અને રસી આપવામાં આવે અને જે લોકોમાં લક્ષણો દેખાય છે તેમની તાત્કાલિક તપાસ કરવામાં આવે.


