સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
થોડા ફ્લેશ બેકમાં જઈને ગયા વર્ષની તોકતે વાવાઝોડુંની પશ્ર્ચાદ ભૂમિકામાં પાણી માટે ઉભે થયેલી એ મોંકાણ હજુ પણ લોકોના માનસપટ પરથી દૂર થતી નથી જણાતી.. થોડી વાર પણ આંખ મિચાતા એ વાવાઝોડાની ભયંકરતા અને પીવાના પાણી માટે વલખાં મારતી એ વિહ્વળ તૃષાની કહાની હજુ પણ પેલાં કાળમીંઢ પથ્થરોની માફક લોકોની આંખોમાં તરવરતી જોવા મળે છે. ગતવર્ષે
મારો સૌથી વધુ વાયરલ થયેલો આર્ટિકલ આપ વાંચકો સમક્ષ મૂકીને એ ભયંકર વિભીષિકા ફરી કદી પણ આ સાવરકુંડલાની ધરાં પર ન આવે એવી પ્રાર્થના ઈશને નિત્ય કરું છું. પેલાં વાવાઝોડાની ઝીંક અને પછી પીવાના પાણી માટે ભીખ.સાવરકુંડલા શહેર છેલ્લા ચાર દિવસથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.
———————————————————————
રઝળી જિંદગી ભરબજારે અહીં સમસ્યાનો અંબાર છે, લોકો ત્રસ્ત થઈ ગયા પ્યાસથી અહીં પાણી માટે પોકાર છે.
– -“પાંધી સર”
એક તો વાવાઝોડાની તબાહી સાવરકુંડલા શહેર થયું તહેસનહેસ. અને એમાં વિદ્યુત પુરવઠો પણ છેલ્લા ચાર દિવસથી સંપૂર્ણ બંધ હતો. લોકોને તો આ અણધારી આફત આવી પડી હતી એક તરફ લોકોની પાસે પર્યાપ્ત માત્રામાં લોટ પાણી ન હતો. તો બીજી તરફ વીજળીનાં ભરોસે તંત્રે પણ જાણે પાણી પુરવઠા વિતરણ માટે હાથ ઉંચા કરી દીધા હતાં. તંત્રની ડીઝાસ્ટર મેનેજમેન્ટની પોલીસી હેઠળ ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી જનરેટરો મંગાવી અને લોકોને કમ સે કમ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી હોત તો પણ સારું થાત..!! પરંતુ અહીં તો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો સાથેની તસવીરો સિવાય કશું ઈનોવેટિવ કાર્ય થતું ન હતું !! ઈઝરાયેલની વાત કરવાવાળા ન જાણે ક્યાં છુપાયને બેઠા હતાં એ તો રામ જાણે.!! લોકોને એક તો કુદરતી આફતનો માર અને એમાં પાણીની તરસ..!! આમ તો એમ પણ કહેવાતું કે આ કોરોના કાળમાં ગળાને સૂકાવા ન દેવું પરંતુ અહીં તો લોકો પીવાના પાણીના એક ટીપાં માટે પણ કાયદેસર લોકો વલખાં મારતાં જોવા મળતાં હતાં !! સાવરકુંડલા નગરપાલિકા પાસે પાણી ભરીને લઈ જવાનાં ટેંકરો તો હતાં, પરંતુ વીજળી ન હતી એટલે તંત્ર મૂક પ્રેક્ષક બની પરિસ્થિતિનો ચિતાર કાઢતું હોય તેવું લાગતું હતું .!!
એક વાત પણ અહીં સ્પષ્ટ થઈ કે ડીઝાસ્ટર મેનેજમેન્ટની તમામ ઈનોવેટિવ કાર્યપ્રણાલી પણ હવે આપણે ઈઝરાયેલ જેવાં ટચૂકડા દેશ પાસેથી શીખવી પડશે.!!
જનરેટરોની યુધ્ધના ધોરણે વ્યવસ્થા કરાવી ટેંકરો મારફત પણ લોકોને પીવાનું પાણી તો રેશનીંગની જેમ પહોંચાડવું જોઈતું હતું પણ આપણે તો આશાવાદી કે કાલ લાઈટ આવશે..!! અને આપણને પીવાનું પાણી મળશે અને જાણે વર્ષોની પ્યાસ બુઝાશે.
