Gujarat

ફ્રેન્ચાઈઝી લેનારા ખેડાના ૧૪ શખ્સને ઝડપવા પોલીસ સક્રિય બની

નડિયાદ
રાહુલે પોતાની કંપનીમાંથી ખેડા જિલ્લાના ૧૪ જેટલા યુવાનોને ફ્રેન્ચાઇઝી આપી હતી. દરમિયાન આ કૌભાંડનો પર્દાફાશ થતાં રૂરલ પોલીસ મથકે રાહુલ વાઘેલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તમામ ફ્રેન્ચાઇઝી લેનારા શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. રાહુલ વાઘેલાએ પોતાની કંપનીની ૧૪ જેટલા શખ્સોને ફ્રેન્ચાઇઝી આપી હતી. જે ગ્રાહકો પાસેથી વિવિધ પ્લાન હેઠળ રોકાણ કરાવી ડેટા એન્ટ્રીના આઈ.ડી. પાસવર્ડ આપતા હતા. આ ફ્રેન્ચાઈઝી લેનારા શખ્સો પૈકી ડાકોર રોડ પર આવેલી અને રોડ પર ઓફિસ ધરાવતી એક ફ્રેન્ચાઇઝીએ રાહુલ વાઘેલા બાદ સૌથી વધુ ગ્રાહકોને નાણાંનું રોકાણ કરાવ્યું હતું. આ ઉપરાંત દરેક તાલુકા મથકોએ પણ ફ્રેન્ચાઇઝીની ઓફિસ ખોલવામાં આવી હતી. કૌભાંડનો પર્દાફાશ થતાં આ ફ્રેન્ચાઇઝી લેનારા શખ્સો પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે રાહુલ વાઘેલાના રિમાન્ડ દરમિયાન ફ્રેન્ચાઇઝી લેનાર તમામ લોકોની યાદી તૈયાર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ખેડા જિલ્લામાં ડેટા એન્ટ્રી કૌભાંડના નામે કરોડોનું ફુલેકુ ફેરવનારા રાહુલ વાઘેલાને પોલીસે ઝડપીને સાબરમતી જેલ ભેગો કર્યો હતો. રાહુલ વાઘેલાએ માસ્ટર સોલ્યુશન નામની કંપની શરૂ કરી રોજના રૂપિયા ૫૦૦થી ૧૦૦૦ કમાવવાની લાલચ આપી વિવિધ પ્લાન હેઠળ કંપનીમાં કરોડોનું રોકાણ કરાવી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે રાહુલ પાસેથી ફ્રેન્ચાઇઝી લેનારા ૧૪ શખ્સો પોતાના પરિવાર સહિત ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *