ગેસ્ટ હાઉસના માલિકે વીરપુર પોલીસમાં જાણ કરતા બન્ને તસ્કરોની શોધખોળ હાથ ધરાઇ
યાત્રાધામ વીરપુરમાં તસ્કરો બેફામ બન્યા છે અને આવા ભેજાબાજ તસ્કરોની ટોળકી સક્રિય થઈ છે. 16 જૂનના રોજ વીરપુરના એક ગેસ્ટ હાઉસના માલિકના ખિસ્સામાંથી બે તસ્કરોએ મોબાઈલની ચોરી કરી હતી. જેમાં એક તસ્કરે ગેસ્ટ હાઉસના માલિક સામે ઉભો રહી કવર કર્યું હતું તો બીજા તસ્કરે ગેસ્ટહાઉસના માલિકના ખિસ્સા આડે થેલી રાખી તેના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
સીસીટીવીમાં જોવા મળતી વિગત મુજબ ગેસ્ટ હાઉસના માલિકના શર્ટના ખિસ્સામાં મોબાઈલ જોઈ જતા બે શખસો તેની સાથે સાથે ચાલવા લાગે છે. બાદમાં માલિક ગેસ્ટ હાઉસના ગેટ પર ઉભા રહી જાય છે. ત્યારે સાથે ચાલતા આ બે તસ્કરોમાંથી એક તસ્કર ગેસ્ટ હાઉસના માલિકની આગળ ઉભો રહી જાય છે. બાદમાં બીજો તસ્કર ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કરી બાદમાં ગેસ્ટ હાઉસના માલિકનું ધ્યાન બીજી તરફ ખેચવા માટે તે કઈક પૂછે ત્યારે ગેસ્ટ હાઉસના માલિક હાથ ઊંચો કરીને રસ્તા તરફ ઈશારો કરે છે.આ સમયે જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશીને બહાર નીકળતો તસ્કર પોતાના હાથમાં રહેલી થેલી ખિસ્સા આગળ રાખી ગેસ્ટ હાઉસના માલિકના ખિસ્સામાં મોબાઈલ સેરવી લે છે. બાદમાં બન્ને તસ્કર ત્યાંથી નાસી જાય છે.
આ અંગે ગેસ્ટ હાઉસના માલિકે વીરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.


