રાજ્ય સરકાર મહિલાઓના ઉત્કર્ષ માટે સખી મંડળ સહિતની અનેક યોજના ચલાવી રહી છે. જૂનાગઢ શહેરમાં રહેતા તુષારભાઈ છૂટક મજૂરી કરતા જેનાથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું હોવાથી તેમના પત્ની હિરલબેન સખી મંડળમાં જોડાઈ લેડીઝ વેરનો ધંધો શરૂ કર્યો છે. સખી મંડળ થકી સખી મેળામાં સ્ટોલ ઉભા કર્યા અને સારી આવક મળતા તુષારભાઈ પણ તેમની મદદમાં જોડાયા. સખી મંડળ થકી વિવિધ મેળાઓમાં ભાગ લઈ પોતાની વેરાયટીનું વેચાણ કરી આજે મહિને રૂ.૩૫ હજાર જેટલી આવક મેળવી હિરલબેન અને તુષારભાઈ આત્મનિર્ભર બન્યા છે.
મહિલાઓને પગભર બનાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મહિલાઓ માટે સરકાર દ્વારા સખી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરની એ.જી. હાઇસ્કુલના મેદાન ખાતે સાત દિવસ સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સખી મંડળની બહેનો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ સખી મેળામાં જૂનાગઢના હિરલબેન તુષારભાઈ કોરિયા એ પણ ભાગ લઈ સારી એવી આવક મેળવી રહ્યા છે.
હિરલબેને જણાવ્યું હતું કે, પહેલા મારા પતિ છૂટક મજૂરી કરતા અને મહીને ૮ થી ૧૦ હજાર રૂપિયાની આવક મેળવતા આથી ઘર ચલાવવું મુશ્કેલ બનતું હતું. મારા પતિની મદદ કરવા વિચાર કરતી હતી અને પછી મને સખી મંડળની માહિતી મળતા હું તેમાં જોડાઈ અને લેડીઝ વેરાઈટી વેચવાનું શરૂ કર્યું. ધીરે-ધીરે મારા ધંધામાં મને પ્રગતિ મળતા મારા પતિએ પણ છૂટક મજૂરી છોડી દીધી અને મારી મદદમાં જોડાઈ ગયા. અમદાવાદથી કપડાં લઈ આવીએ અને તેમાં ડિઝાઇનડ કરી કપડા તૈયાર કરી તેનું વેચાણ કરીએ છીએ. આથી હું અને મારા પતિ આ ધંધામાંથી મહીને ૩૫ હજાર જેટલી આવક મેળવી રહ્યા છે અને ઘર ચલાવવું પણ સહેલું બન્યું છે. હવે જ્યાં સખી મેળાનું આયોજન થાય છે ત્યાં અમે અમારો સ્ટોલ ઉભો કરી સારી આવક મેળવી રહ્યા છીએ. અહીંયા સખી મેળાને ચાર દિવસ થયા છે. ચાર દિવસમાં રૂપિયા ૨૦ હજારથી વધુની આવક મેળવી છે. આ સખી મેળો સાત દિવસ સુધી ચાલશે અને મેળા થકી અમે સાત દિવસમાં ૫૦ હજાર જેટલી આવક મેળવીશું તેવી મને ખાતરી છે.

