નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવના જાગૃત થાય તેવા સુભાશય સાથે રાષ્ટ્રીય પર્વ ૧૫મી ઓગષ્ટની પૂર્વે હર ઘર ત્રીરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હર ઘર ત્રીરંગા કાર્યક્રમ હેઠળ તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન જૂનાગઢ જીલ્લા-શહેરના તમામ ઘરો ઉપર ત્રિરંગો લહેરાવવા માટે નાગરિકોને પ્રેરિત કરવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી -ખાનગી કચેરીઓ, દુકાનો, ઉદ્યોગ -વેપારી ગૃહો સહિતના સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે.
આ સંદર્ભે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી રાજેશ ખન્નાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લોકોને સુલભતાથી રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ થવાની સાથે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી-ખાનગી કચેરીઓ સહિતના સ્થળોએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવે તે માટે જરૂરી સંકલન સાધવા સંબંધીત અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ આ હર ઘર ત્રિરંગા કાર્યક્રમને સફળ બનાવવા જનભાગીદારી વધે તે દિશામાં કામગીરી કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જનહિતના અને રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ બેઠકમાં શિક્ષણ, પોલીસ, પુરવઠા, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
