ધાનેરા
ધાનેરાના ધાખા ગામના પ્રકાશભાઇ પ્રેમજીભાઇ ચૌધરી દાંતીવાડા પોલીસમાં ફરજ બજાવતા હતા. ૧૪ જાન્યુઆરી-૨૦૧૬ ના રોજ ઉત્તરાયણ હોવાથી રજા લઇ ઘરે હતા અને તેઓ ખેતરમાં વાવેલ રાયડાના પાકમાં પિયત કરી રહ્યા હતા. ત્યારે અચાનક પોતાના ખેતરમાંથી પસાર થતી વીજલાઇનનો જીવંત વાયર તૂટી પડેલ અને પ્રકાશભાઇને કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું અને તે અંગે ધાનેરા પોલીસમાં જાણ આપી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. અને આ મોત વીજકંપનીની લાપરવાહીના કારણે થતાં આ ઉત્તર ગુજરાત વીજકંપની સામે પ્રકાશભાઇની પત્ની સીતાબેને ૬૦ લાખનો દાવો મુક્યો હતો. જેથી આ દાવો એડીશનલ સીનીયર સીવીલ જજ, ડીસાની કોર્ટમાં સ્પે.દિવાની મુકદમા નં-૪૫/૨૦૧૬ થી દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાત વીજકંપની દ્વારા આ દાવો ખોટો સાબિત કરવા માટે અનેક જવાબો રજુ કરવામાં આવેલ પરંતુ આદી તરફેના વકીલ ડી.એ.દવે દ્વારા રજુઆતો અને સચોટ પુરાવા રજુ કરવામાં આવ્યા હતા અને આ કેસમાં વિજ કંપની તેમજ વાદીના જવાબોના અંતે કોર્ટે વાદીનો દાવો મંજુર કર્યો હતો. આ કેસમાં કુલ મળીને રૂ.૫૪,૩૮,૩૨૦ રૂપિયા ૬ ટકાના સાદા વ્યાજ સાથે મૃતકના પરીવારને ચુકવવાનો ડીસા એડીસનલ સીનીયર સીવીલ કોર્ટના ન્યાયાધિશ બી.વી. પરમારે હુકમ કર્યો છે.કિસાનસંઘના વિરમાભાઈ પટેલે જણાવ્યું કે વીજકંપનીની લાપરવાહીથી કેટલીયે ઘટનાઓ બની છે.જેને લઈ ખેડૂતોએ સહન કરવું પડે છે.ધાનેરા તાલુકાના ધાખા ગામના યુવાન ખેતરમાં કામ કરતા હતા. ત્યારે જીવંત વીજવાયર તૂટી પડતાં કરંટ લાગતા મોત નિપજ્યું હતું અને તે બાબતે તેના પરીવારે વીજકંપની ઉપર ૬૦ લાખનો દાવો કરતાં ડીસા કોર્ટે ૫૪,૩૮,૩૨૦ રૂપિયા ૬ ટકાના સાદા વ્યાજ સાથે ચુકવવાનો હુકમ ઉત્તર ગુજરાત વીજકંપનીને કરવામાં આવ્યો છે.

