ડીસા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર વચલા ગામ ખાતે રહેતા પોપટજી ઠાકોરની અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારના ઘા મારી પેટમાંથી આંતરડા બહાર કાઢ્યા હતા. જેથી પોપટજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. જે બાદ હત્યારાઓએ યુવકની લાશને ગામના હનુમાનજીના મંદિર પાસે ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે અંગે ફરિયાદ નોંધ પોલીસે તપાસ શરૂ કરી હતી અને મૃતક પોપટજીનો મોબાઈલ ચેક કરતા છેલ્લે આવેલ નંબર પરથી તપાસ કરતા હત્યાનો ભેદ તુરંત ઉકેલાઈ ગયો હતો. રાણપુર વચલા વાસ ગામમાં રહેતા મફાજી ઠાકોરે તેમના મિત્ર વર્તુળમાં જ દરરોજ સાથે બેસતા રણજિતજી ઠાકોરને જણાવેલ કે આ પોપટ તારા બૈરા વિશે જેમ તેમ બોલે છે. જેથી રણજીતને ગુસ્સો આવતા રાત્રે જ ફોન કરીને પોપટને ગામમાં આવેલ મંદિર પાસે બહાર બોલાવી તેની સાથે ઝઘડો કર્યો હતો. જેમાં રણજીત, તેનો ભાઈ રાહુલ અને તેમના પિતા નાનુજી ઠાકોરે ગુપ્તીના ઘા મારી પોપટની હત્યા કરી હતી. મારવા માટે જ્યારે પોપટજીને મંદિર પાસે બોલાવ્યો તે પહેલા ત્યાંની લાઈટો બંધ કરી દીધી હતી. તેમ છતાં પણ પોપટજીએ ત્યાં હાજર રહેલા રણજીત અને તેના પિતાને માર માર્યો હતો તે સમયે અંધારામાં પાછળથી રાહુલે ગુપ્તિ મારતા પોપટજીને ગંભીર ઈજા પહોંચી હતી. તેમ છતાં પણ ઇજાગ્રસ્ત પોપટજીએ રાહુલના હાથમાંથી ગુપ્તી પડાવી ત્રણેય જણાને ઇજાગ્રસ્ત કર્યા હતા. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોપટજી નીચે પડી જતા તેમના પેટ અને પીઠના ભાગે ઉપરા ઉપરી ગુપ્તિના સાત ઘા મારી પોપટજીનું ઢીમ ઢાળી દીધું હતું અને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે ડીસા તાલુકા પોલીસે હત્યા માટે ઉશ્કેરણી કરનાર મફાજી ઠાકોર, ગુપ્તીના ઘા મારનાર રણજીત ઠાકોર અને તેના ભાઈ રાહુલની અટકાયત કરી છે. જ્યારે ફરાર નાનજી ઠાકોરની તપાસ ચાલુ છે.ડીસાના રાણપુર વચલા વાસ ગામમાં ગઈકાલે યુવકની હત્યા કરનાર શખ્સોને પોલીસે ગણતરીના કલાકો માજ પકડી પાડ્યા છે. પત્ની સાથે આડા સબંધના વહેમમાં ચાર શખ્સોએ ગુપ્તિના ઘા મારી યુવકની હત્યા કરી હતી. ડીસા તાલુકા પોલીસે હત્યા કરનાર ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

