આણંદ
આણંદના આંકલાવના ભેટાસી બાભાગમાં રહેતો સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલ માળી ભેટાસી વાંટા સીમ માંડવાપુરા તરફ જવાના રોડ પર કેનાલ પર આવેલા ખેતરના બોરકુવાની ઓરડીમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરે છે, આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી દરોડ પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પર જ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સાથે સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલ માળી મળી આવતાં તુરંત તેની અટક કરી હતી. પ્રાથમિક પુછપરછમાં જ તેણે ડુપ્લીકેટ દારૂ બનાવતો હોવાનું કબુલાત કરી લીધી હતી. પોલીસે ઓરડીમાં તપાસ કરતાં દારૂ બનાવવામાં વપરાતું કેમિકલ, ડુપ્લીકેટ દારૂ, ખાલી કેરબા, પીપ, વિદેશી દારૂની ખાલી બોટલ, ઢાંકણા, શીલ પેક કરવાનું મશીન, આલ્કોહોલ માપવાનું થર્મોમીટર, રોકડ, મોબાઇલ સહિત કુલ રૂ. ૨ લાખ ૫૯ હજાર ૫૭૬નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સુરેશની પુછપરછ કરતાં તેણે આ બધો સામાન અમૃતલાલ હેમચંદ જૈન (રહે.ડુંગરપુર, રાજસ્થાન)એ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ દારૂ બનાવવાની ફેક્ટરી અમૃતલાલના ઇશારે જ ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મહત્વનું છે કે, એફએસએલ દ્વારા અહીં મળેલ તમામ કેમિકલ અને પ્રવાહીના નમૂના લઈ વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જાે પ્રતિબંધિત કેમિકલની પુષ્ટિ થાય તો સમગ્ર પંથક માટે ચિંતાનો વિષય બનશે.વળી પોલીસ આ શખ્સ સાથે વેપાર કરતા અને દારૂની ખરીદ કરતા વ્યસનીઓને પણ તપાસ કરી વ્યસનમુક્ત કરવા કાઉન્સિલિંગ કરવુ જાેઈએ તેવો લોકમત પંથકના બુદ્ધિજીવી નાગરિકોમાં પ્રવર્તી રહ્યો છે. આ અંગે આંકલાવ પોલીસે સુરેશ અને અમૃતલાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આંકલાવ પોલીસે ભેંટાસી ગામના માંડવાપુરાના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરીમાં કેમિકલ સહિતનો જથ્થો મળી આવતાં મામલો ગંભીર બન્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે સ્થળ પરથી એકની ધરપકડ કરી હતી. જ્યારે તપાસમાં રાજસ્થાન સુધી પગેરૂં પહોંચ્યું છે.

