પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સમગ્ર જેતપુરમાં સોમવારે શિવાલય સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં શિવભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. શહેરના તમામ મહાદેવનાં મંદિરમાં ભક્તોએ શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી
પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે વાતાવરણ ભક્તિમય બની ગયું છે. જેતપુર શહેર તેમજ આજુબાજુ આવેલા શિવાલય સહિતના મંદિરોમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. આજે પ્રથમ સોમવાર હોય શિવભક્તો શિવજીની ભક્તિમાં મગ્ન બન્યા હતા. શહેરના અમરનગર રોડ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી પૂજા અર્ચન અને દર્શનાર્થે ભક્તોની કતારો જોવા મળી હતી. અને શિવજીને બીલીપત્ર, દૂધ સહિતની સામગ્રી અર્પી ભક્તોએ શિવજી કૃપા બનાવી રાખે તેવી પ્રાર્થના કરી હતી. પ્રત્યેક સોમવારે શિવજીને પ્રિય ધાન અર્પણ કરવામાં આવે છે. શિવજીને ચોખા પણ પ્રિય હોવાથી આજે ચોખા અર્પણ કરવામાં આવ્યા હતા.
જેતપુરથી આશરે 8 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં અને ગાલોરિયા નદી સમીપે આવેલું ભીડભંજન મહાદેવ નું મંદિર જે મંદિર ઘણું પૌરાણિક છે.સ્થાનિક લોકો માટે આ મંદિર “છોટા સોમનાથ ” જેવું જ છે. દર શ્રાવણ માસ ના ૩૦ સે ૩૦ દિવસ અહી સવાર , બપોર અને સાંજ ની આરતી વખતે ભક્તો નો ઘસારો રહે છે તથા શ્રાવણ માસ ના દર સોમવારે અહી મેળો ભરાઈ છે.આજે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ભક્તોની સવારથી જ ભીડ જામી હતી અને મેળામાં મોટી જનમેદની ઉમટી પડી હતી.

